News of Wednesday, 17th December 2025
૩૦ વર્ષથી USમાં રહેતાં ઈન્ડિયન ગ્રીન કાર્ડ લેવા જતાં અરેસ્ટ થયાં
ફિંગરપ્રિન્ટ માટે USCISની ઓફિસે પહોંચ્યા તે વખતે જ ફેડરલ એજન્ટ્સે એક રૂમમાં લઈ જઈ અરેસ્ટ અંગે જાણ કરી

કેલિફોર્નિયા૪,તા.૧૭: ICEમાં હાજરી પૂરાવવા ગયા હોય તેવા લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર અત્યારસુધી અનેકવાર આવી ચૂક્યા છે પરંતુ ગ્રીન કાર્ડના ઈન્ટરવ્યુમાં કોઈને અરેસ્ટ કરાય તેવી ઘટના ભાગ્યે બનતી હોય છે. જોકે, ત્રીસેક વર્ષથી અમેરિકામાં રહેતા એક ભારતીય મહિલા સાથે કંઈક આવું જ થયું છે અને હાલ તેઓ જેલમાં બંધ છે. બબલજીત ઉર્ફે બબલી કૌર નામના આ મહિલા ૧૯૯૪માં અમેરિકા ગયા હતા અને તેમણે ગ્રીન કાર્ડ માટે તાજેતરમાં જ એપ્લિકેશન કર્યા બાદ તેમને બાયોમેટ્રિક્સની અપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.
જોકે, બાયોમેટ્રિક્સ આપવા ગયેલા કેલિફોર્નિયાનાં બબલી કૌરને ત્યાંથી જ અરેસ્ટ કરી લેવાયા હતા તેવો તેમની દીકરી જોતિનો દાવો છે. બબલી કૌરની એક દીકરી યુએસ સિટીઝન છે અને તેમના જમાઈ પણ ગ્રીન કાર્ડ હોલ્ડર છે, તેમની દીકરીએ જ તેમનું ગ્રીન કાર્ડ સ્પોન્સર કર્યું હતું અને ડિસેમ્બર ૦૧ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જોતિએ આ અંગે અમેરિકાની એક સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેના માતા બબલી કૌર USCISની ફ્રંટ ડેસ્ક પર હતા તે જ વખતે કેટલાક ફેડરલ એજન્ટ્સ બિલ્ડિંગમાં દાખલ થયા હતા અને તેમને એક રૂમમાં લઈ જવાયા હતા. ત્યારબાદ તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમને પોતાના એટર્ની સાથે ફોન પર વાત કરવાનો મોકો પણ અપાયો હતો પરંતુ હજુ સુધી તેમને જેલમાંથી છોડવામાં નથી આવ્યા. અરેસ્ટ બાદ તેમને ક્યાં લઈ જવાયા છે તેની પણ કોઈ માહિતી ફેમિલી મેમ્બર્સ સાથે શેર નહોતી કરાઈ.
ખાસ્સા સમય બાદ તેમને ખબર પડી હતી કે બબલી કૌરને એડેલાન્ટોની જેલમાં લઈ જવાયા છે. બબલી કૌરને ત્રણ સંતાનો છે જેમાં મોટી દીકરી જોતિની ઉંમર ૩૪ વર્ષ છે અને તેને DACA પ્રોગ્રામ હેઠળ ડિપોર્ટેશન સામે પ્રોટેક્શન મળેલું છે જ્યાર તેમની અન્ય એક દીકરી અને દીકરો યુએસ સિટીઝન છે. બબલી કૌર અને તેમના પતિ કોવિડ પેન્ડેમિક સુધી કેલિફોર્નિયામાં પોતાની રેસ્ટોરાં ચલાવતા હતા.
બબલી કૌરની દીકરીનો દાવો છે કે તેની માતાની કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને તેમણે કોઈ ઈમિગ્રેશન લોનો ભંગ પણ નથી કર્યો. જોકે, તેમ છતાંય USCIS ની ઓફિસમાં અરેસ્ટ કર્યા બાદ તેમને હાથ-પગમાં બેડી પહેરાવીને કોઈ ક્રિમિનલની માફક લોસ એન્જેલસની જેલમાં લઈ જવાયા હતા. કેલિફોર્નિયાના લોંગ બીચના પ્રતિનિધિ રોબર્ટ ગાર્સિયાએ આ મામલે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરી બબલી કૌરની ધરપકડની નિદા કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોતે હાલ બબલી કૌરની ફેમિલીના સંપર્કમાં છે અને તેમને દરેક સંભવ મદદ પૂરી પાડી રહ્યા છે. બબલી કૌરની ધરપકડ કેમ કરવામાં આવી છે તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.
મોટાભાગે જેમનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય તેમની આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય છે. આ પહેલા યુએસમાં ૩૦ વર્ષથી વધુ સમયથી રહેતા પંજાબના જ હરજિત કૌર નામના ૭૩ વર્ષીય મહિલાને પણ તેઓ ત્ઘ્ચ્માં હાજરી પૂરાવવા માટે ગયા ત્યારે જ અરેસ્ટ કરીને અમુક દિવસોમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા અને તેમની સાથે જેલમાં અયોગ્ય વ્યવહાર પણ કરાયો હતો.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
