News of Wednesday, 17th December 2025
વ્હાઈટ હાઉસમાં વાગશે શરણાઈ, ટ્રમ્પે પુત્રની સગાઈનું કર્યું એલાન
ટ્રમ્પ જુનિયર પામ બીચની જાણીતી સમાજસેવી બેટ્ટીના એન્ડરસન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે

વોશીંગ્ટન તા.૧૭: અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં શહેનાઈના સૂર ગુંજી ઉઠશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની સગાઈની જાહેરાત કરી છે. સોમવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત ક્રિસમસ રિસેપ્શન દરમિયાન તેમણે પોતે આ ખુશખબર શેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું છે કે ટ્રમ્પ જુનિયર પામ બીચની જાણીતી સમાજસેવી બેટ્ટીના એન્ડરસન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર આ ખાસ જાહેરાત ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. એક વીડિયોમાં, યુએસ રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી દૂર જતા જોવા મળે છે, ત્યારબાદ ટ્રમ્પ જુનિયર તેમની મંગેતર, બેટ્ટીના એન્ડરસન સાથે દેખાય છે. હાજર મહેમાનોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.
આ સમય દરમિયાન, ૪૭ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટ્ટીના એન્ડરસને પણ લોકોને સંબોધિત કરી. ટ્રમ્પ જુનિયરે હા કહેવા બદલ બેટ્ટીનાનો આભાર માન્યો. બેટ્ટીના એન્ડરસને વ્હાઇટ હાઉસ રિસેપ્શનનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીનો આભાર માન્યો. તેને કહ્યું કે આ સપ્તાહના અંતે તેના જીવનનો સૌથી યાદગાર સમય હતો અને તે પોતાને વિશ્વની સૌથી નસીબદાર છોકરી માને છે.
૩૯ વર્ષીય બેટ્ટીના એન્ડરસન પરોપકારી હેરી લોય એન્ડરસન જુનિયર અને ઇન્ગર એન્ડરસનની પુત્રી છે. તે ફલોરિડામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણીય સંરક્ષણના મુદ્દાઓમાં સક્રિય રીતે સામેલ છે. બેટ્ટીના અને ટ્રમ્પ જુનિયર ૨૦૨૪ થી જાહેરમાં સાથે જોવા મળે છે. તેઓ પામ બીચ પર અનેક કાર્યક્રમો અને ટ્રમ્પ પરિવારના વિવિધ મેળાવડામાં પણ સાથે જોવા મળ્યા છે
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
