<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ભારતનું આક્રમક વલણ: 'સેવન સિસ્ટર્સ' પર બાંગ્લાદેશી નેતાના ઝેરીલા નિવેદન બાદ હાઈ કમિશનરને ફટકારાયું સમન્સ, ઢાકામાં ભારતીય દૂતાવાસને મળેલી ધમકીથી દિલ્હી લાલચોળ

ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપનારા હસનત અબ્દુલ્લાની ધમકી ભારતને અસ્વીકાર્ય: વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના રાજદૂતને બોલાવી કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી, તા.17: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ વધી રહી હોય તેમ જણાય છે. બુધવારે ભારત સરકારે બાંગ્લાદેશના હાઈ કમિશનર મોહમ્મદ રિયાઝ હમીદુલ્લાહને વિદેશ મંત્રાલય (MEA) માં સમન્સ પાઠવ્યા હતા. ઢાકામાં આવેલા ભારતીય દૂતાવાસને મળેલી સીધી ધમકી અને ઉત્તર-પૂર્વીય રાજ્યો એટલે કે 'સેવન સિસ્ટર્સ' વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે ભારતે આ કડક પગલું ભર્યું છે.

શું છે 'સેવન સિસ્ટર્સ' વિવાદ?

બાંગ્લાદેશના નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા હસનત અબ્દુલ્લાએ તાજેતરમાં એક જાહેર સભામાં અત્યંત ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે જો બાંગ્લાદેશમાં અસ્થિરતા આવશે તો તેઓ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને અલગ કરી દેશે અને ત્યાંના અલગતાવાદીઓને આશ્રય આપશે. ભારતે આ નિવેદનને સાર્વભૌમત્વ પરના હુમલા સમાન ગણાવીને ગંભીરતાથી લીધું છે.

દૂતાવાસની સુરક્ષા અને રાજદ્વારી દબાણ

ઢાકામાં ભારતીય દૂતાવાસને મળેલી ધમકી બાદ ભારત સરકાર પોતાની સુરક્ષા અને સન્માનના મુદ્દે જરાય નમતું જોખવાના મૂડમાં નથી. બુધવારે બપોરે જ્યારે બાંગ્લાદેશના રાજદૂત વિદેશ મંત્રાલય પહોંચ્યા ત્યારે ભારતીય અધિકારીઓએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશ સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. ભારત સ્પષ્ટ કર્યું છે કે પડોશી દેશમાંથી ભારતની પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધના નિવેદનો સહન કરવામાં આવશે નહીં.

વિજય દિવસ અને સંબંધોની મડાગાંઠ

રસપ્રદ વાત એ છે કે, આ તણાવ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતે 16 ડિસેમ્બરે 'વિજય દિવસ'ની ઉજવણી કરી હતી. મંગળવારે દિલ્હીમાં બાંગ્લાદેશ દૂતાવાસમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં હાઈ કમિશનર હમીદુલ્લાહે પરસ્પર સહયોગ અને શાંતિની વાતો કરી હતી. પરંતુ એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ બાંગ્લાદેશના નેતાઓ દ્વારા ભારત વિરોધી ઝેર ઓકવામાં આવતા ભારત સરકારે હવે 'ડિપ્લોમેટિક એક્શન' લેવાનું શરૂ કર્યું છે.

(3:31 PM IST)