News of Wednesday, 17th December 2025
PM મોદી સાથે રૂબરૂ મુલાકાતની સુવર્ણ તક: 'પરીક્ષા પે ચર્ચા 2026' માટે 64 લાખથી વધુ નોંધણી, શું તમે પીએમ હાઉસની 'ગોલ્ડન ટિકિટ' મેળવવા તૈયાર છો?
વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ક્રેઝ: 11 જાન્યુઆરી સુધી અરજી કરવાની તક, વિજેતાઓને મળશે સ્પેશિયલ PPC કીટ અને પ્રધાનમંત્રી આવાસની મુલાકાતનું ખાસ આમંત્રણ

નવી દિલ્હી, તા.17: બોર્ડની પરીક્ષાઓનો તણાવ દૂર કરવા અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા (PPC) 2026' નો જાદુ સમગ્ર દેશમાં છવાઈ ગયો છે. આ વર્ષે આ કાર્યક્રમે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં 64 લાખથી વધુ લોકોએ આ ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લેવા માટે ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી છે, જેમાં વિદ્યાર્થીઓનો આંકડો જ 59 લાખને પાર કરી ગયો છે.
પીએમ મોદીના 'એક્ઝામ વોરિયર્સ' માટે ગોલ્ડન ટિકિટ
આ વર્ષે કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ 'ગોલ્ડન ટિકિટ' છે. દેશભરમાંથી પસંદ કરાયેલા 10 'લેજન્ડરી એક્ઝામ વોરિયર્સ'ને જીવનમાં એકવાર મળનારી ખાસ તક હેઠળ પ્રધાનમંત્રીના નિવાસસ્થાન (7, LKM) ની મુલાકાત લેવાનું અને પીએમ મોદીને રૂબરૂ મળવાનું સન્માન પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સ્પર્ધાઓ દ્વારા પસંદ કરવામાં આવેલા અંદાજે 2,500 ભાગીદારોને શિક્ષણ મંત્રાલય તરફથી ખાસ 'પીપીસી કીટ' ભેટમાં આપવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી?
- વિદ્યાર્થીઓ: ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ.
- શિક્ષકો: માન્ય શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો.
- વાલીઓ: શાળાએ જતા બાળકોના માતા-પિતા પણ આમાં જોડાઈ શકે છે.
કેવી રીતે જોડાવું? (મહત્વની તારીખો)
જો તમે હજુ સુધી નોંધણી કરાવી નથી, તો ગભરાવાની જરૂર નથી. નોંધણીની પ્રક્રિયા 1 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે અને તમારી પાસે 11 જાન્યુઆરી, 2026 સુધીનો સમય છે. રસ ધરાવતા ઉમેદવારો MyGov પોર્ટલ (innovateindia1.mygov.in/ppc-2026) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
પરીક્ષાનો ડર ભગાવવાનો અનોખો પ્રયાસ
'પરીક્ષા પે ચર્ચા' એ માત્ર એક કાર્યક્રમ નથી, પણ એક આંદોલન છે જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાને 'ઉત્સવ' ની જેમ ઉજવવાની સલાહ આપે છે. 5.97 મિલિયન વિદ્યાર્થીઓની સાથે 4.56 મિલિયન શિક્ષકો અને લાખો વાલીઓનું આ અભિયાનમાં જોડાવું એ દર્શાવે છે કે દેશનો યુવા વર્ગ પીએમ મોદીના માર્ગદર્શન માટે કેટલો આતુર છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
