News of Wednesday, 17th December 2025
"હું અહીં ઘર જેવું અનુભવું છું કારણ કે મારું ગુજરાત પણ સિંહોનું ઘર છે": ઇથોપિયાની સંસદમાં PM મોદીની ગર્જના, BRICS સમિટ માટે આપ્યું ખાસ આમંત્રણ
સિંહોની ભૂમિ પર ભારત-ઇથોપિયા વચ્ચે અતૂટ મિત્રતાનો નવો અધ્યાય: 2026માં ભારત સંભાળશે BRICS નું અધ્યક્ષપદ, AI સમિટ માટે પણ ઇથોપિયન વડાપ્રધાનને તેડું

આદિસ અબાબા (ઇથોપિયા), તા.17: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇથોપિયાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. "સિંહોની ભૂમિ" તરીકે ઓળખાતા ઇથોપિયામાં પીએમ મોદીનું તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે ઇથોપિયાના વડાપ્રધાન અબીય અહમદ અલીને વર્ષ 2026માં ભારતમાં યોજાનારી 'AI ઇમ્પેક્ટ સમિટ' અને 'BRICS સમિટ'માં હાજરી આપવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે.
ગુજરાત અને ઇથોપિયા વચ્ચે 'સિંહો'નું જોડાણ
પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, "આજે તમારી સમક્ષ ઉભા રહેવું મારા માટે ગૌરવની વાત છે. મને અહીં બિલકુલ ઘર જેવું જ લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોનું ઘર છે અને ઇથોપિયા પણ સિંહોની ભૂમિ છે." તેમણે ભારતની 140 કરોડ જનતા વતી મિત્રતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો.
BRICS નું અધ્યક્ષપદ સંભાળશે ભારત
વિદેશ મંત્રાલયના સચિવ સુધાકર દાલેલાએ વિગતો આપતા જણાવ્યું કે, ભારત 1 જાન્યુઆરી, 2026થી એક વર્ષ માટે શક્તિશાળી BRICS જૂથનું અધ્યક્ષપદ સંભાળશે. આ વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા અત્યંત મહત્વની રહેવાની છે, જેમાં ઇથોપિયાની ભાગીદારી માટે પીએમ મોદીએ અત્યારથી જ પાયો નાખ્યો છે. પીએમ મોદીએ ઇથોપિયાને માનવ ઇતિહાસની સૌથી જૂની સંસ્કૃતિ ગણાવતા કહ્યું કે, આ દેશ જૂના અને નવા વિચારોનું અદભૂત મિશ્રણ છે.
સર્વોચ્ચ સન્માનનો નમ્રતાપૂર્વક સ્વીકાર
ઇથોપિયા દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ નાગરિક સન્માન બદલ પીએમ મોદીએ હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું આ સન્માન ભારતના લોકો વતી નમ્રતાપૂર્વક સ્વીકારું છું." સંસદના સંબોધન દરમિયાન તેમણે લોકશાહી યાત્રા અને આધુનિક આકાંક્ષાઓ પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીની આ મુલાકાતથી આફ્રિકન ખંડમાં ભારતનો પ્રભાવ વધુ મજબૂત બનશે તેવું રાજદ્વારી નિષ્ણાતો માની રહ્યા છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
