<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

"ગાંધી પરિવારને હેરાન કરવા માટે જ આ કેસ હતો": નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટના ચુકાદા બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર

ED ની ચાર્જશીટ ફગાવી દેતા કોંગ્રેસ આક્રમક મૂડમાં: "સત્યની જીત થઈ છે, આ પીએમ મોદી અને શાહના મોઢા પર લપડાક છે: કોંગ્રેસ અધ્યક્ષની ગર્જના

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ પાર્ટી હવે કેન્દ્ર સરકાર સામે રણશિંગુ ફૂંકી રહી છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
ગાંધી પરિવારને નિશાન બનાવવાનો આરોપ: મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે આ કેસ માત્ર રાજકીય દ્વેષના કારણે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "નેશનલ હેરાલ્ડ કોઈ આજકાલનું પેપર નથી, તેની સ્થાપના 1938માં સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા દેશની આઝાદી માટે કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓ, ખાસ કરીને ગાંધી પરિવારને બદનામ કરવા અને સતાવવા માટે જ આ કેસ ઊભો કરવામાં આવ્યો હતો." ખડગેએ વધુમાં ઉમેર્યું કે આ મામલે કોઈ નક્કર પુરાવા કે FIR પણ નહોતી, માત્ર ગાંધી પરિવારને પરેશાન કરવા માટે ED અને CBIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
"સત્યની હંમેશા જીત થાય છે": કોર્ટના નિર્ણયને ન્યાયની જીત ગણાવતા ખડગેએ કહ્યું કે, આ ચુકાદો પીએમ મોદી અને અમિત શાહના મોઢા પર એક લપડાક સમાન છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીઓનો ડર બતાવીને સરકારે ઘણા સાંસદોને પોતાની તરફ કર્યા અને સરકારો બનાવી છે. ખડગેએ માંગ કરી હતી કે સરકારે હવે આ માટે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે કોંગ્રેસ આ મુદ્દે ચૂપ નહીં બેસે અને 'રોડથી સંસદ સુધી' લડાઈ લડીને સરકારને પાઠ ભણાવશે.
ન્યાયિક પ્રક્રિયા અને આગામી કદમ: પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કેસના તથ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે આ એક ખોખલો કેસ છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં સરકાર પાસે અપીલ કરવાનો અધિકાર છે, પરંતુ કોર્ટના આ આદેશથી સાબિત થઈ ગયું છે કે એજન્સીઓ પાસે કોઈ ગંભીર પુરાવા નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે આ ચુકાદો એક મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે

(7:47 PM IST)