<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

નીતીશ કુમારનો 'હિજાબ' વિવાદ હવે કાશ્મીર પહોંચ્યો: ઓમર અબ્દુલ્લાએ મહેબૂબા મુફ્તીને જૂની ઘટના યાદ અપાવી કહ્યું - "બંનેના કૃત્યો દુઃખદ છે"

મહિલા ડોક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવવાના પ્રયાસ બદલ નીતીશ કુમાર ઘેરાયા: વિપક્ષે માફીની માંગ કરી, તો ઓમર અબ્દુલ્લાએ કહ્યું - "નીતીશજીનો અસલી ચહેરો હવે સામે આવી રહ્યો છે"

પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એકવાર મોટા વિવાદમાં ફસાયા છે. પટનામાં આયુષ ડોક્ટરોને નિમણૂક પત્ર વિતરણ કરવાના એક કાર્યક્રમ દરમિયાન નીતીશ કુમારે એક મુસ્લિમ મહિલા ડોક્ટરની ઓળખ ચકાસવા માટે તેનો હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ દેશભરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
 આ વિવાદમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે નીતીશ કુમારના આ કૃત્યને શરમજનક ગણાવતા કહ્યું કે, "એક પુરુષ દ્વારા મહિલાનો હિજાબ ઉતારવો તે અસ્વીકાર્ય છે. નીતીશ કુમાર જેમને અગાઉ બિનસાંપ્રદાયિક નેતા માનવામાં આવતા હતા, તેમનો અસલી સ્વભાવ હવે દુનિયા સામે આવી રહ્યો છે." જોકે, ઓમર અબ્દુલ્લાએ આ વિવાદમાં મહેબૂબા મુફ્તીને પણ આડેહાથ લીધા હતા. તેમણે યાદ અપાવ્યું કે મહેબૂબાએ પણ ચૂંટણી દરમિયાન મતદાન મથક પર એક મહિલાનો બુરખો હટાવ્યો હતો, જે પણ એટલું જ ખોટું હતું.
: બીજી તરફ, મહેબૂબા મુફ્તીએ નીતીશ કુમાર પર આકરા પ્રહાર કરતા સવાલ કર્યો કે, "શું આ વૃદ્ધાવસ્થાની અસર છે કે પછી મુસ્લિમોનું અપમાન કરવાની માનસિકતા? આશ્ચર્યની વાત તો એ છે કે આસપાસ ઉભેલા લોકો આ ઘટનાને મનોરંજન તરીકે જોઈ રહ્યા હતા." તેમણે નીતીશ કુમારને પદ છોડવાની પણ સલાહ આપી દીધી છે.
 આ વિવાદ પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંજય નિષાદે નીતીશ કુમારનો બચાવ કરતા કહ્યું કે, ફોટો વેરિફિકેશન કરવું એ અધિકારીઓનું કામ છે, પરંતુ કદાચ ઓળખ સ્પષ્ટ કરવા માટે જ મુખ્યમંત્રીએ આ પગલું ભર્યું હશે, તેને ખોટી રીતે ન જોવું જોઈએ.
RJD એ માનસિક સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ: બિહારમાં વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ આ વીડિયો શેર કરતા ટ્વિટ કર્યું કે, "નીતીશજીને શું થઈ ગયું છે? તેમની માનસિક સ્થિતિ હવે દયનીય સ્તરે પહોંચી ગઈ છે." વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નીતીશ પોતે જ મહિલાના ચહેરા પરથી હિજાબ હટાવવાનો આગ્રહ કરી રહ્યા છે. આ ઘટનાએ બિહારના રાજકારણમાં મહિલા સન્માન અને ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે નવી ચર્ચા છેડી દીધી છે. વિપક્ષ હવે મુખ્યમંત્રી પાસેથી જાહેરમાં માફીની માંગ કરી રહ્યો છે

(7:58 PM IST)