<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ: અજિત પવારના મંત્રી મણિકરાવ કોકાટેને 2 વર્ષની જેલની સજા, ધરપકડના ડરે મંત્રી હોસ્પિટલમાં દાખલ, રાજીનામું નિશ્ચિત!

30 વર્ષ જૂના ફ્લેટ કૌભાંડમાં કોર્ટે ફટકાર્યો ચાબુક: શરણાગતિ માટે સમય માંગતી અરજી ફગાવી, પોલીસે ધરપકડ માટે ચક્રગતિમાન કર્યા; ધનંજય મુંડે બાદ વધુ એક મંત્રીની વિકેટ પડવાની તૈયારી

નાશિક : મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ સરકાર અને ખાસ કરીને અજિત પવારની NCP માટે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. સરપંચ હત્યા કેસમાં ધનંજય મુંડેના રાજીનામાના આઘાતમાંથી પાર્ટી હજુ માંડ બહાર આવી હતી, ત્યાં જ રાજ્યના રમતગમત મંત્રી મણિકરાવ કોકાટે પર ધરપકડની તલવાર લટકી રહી છે. નાશિકની જિલ્લા અદાલતે 30 વર્ષ જૂના ફ્લેટ કૌભાંડમાં નીચલી અદાલતની બે વર્ષની જેલની સજાને યથાવત રાખતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 મંગળવારે જેવો કોર્ટે સજાનો ચુકાદો આપ્યો અને તાત્કાલિક ધરપકડ વોરંટ જારી કર્યું, કે તરત જ મંત્રી મણિકરાવ કોકાટે 'ગાયબ' થઈ ગયા હતા. દિવસભરની સંતાકૂકડી બાદ સમાચાર મળ્યા છે કે તેઓ મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. તેમણે છાતીમાં દુખાવો અને બ્લડ પ્રેશરની ફરિયાદ કરી છે. જોકે, વિપક્ષ આને ધરપકડથી બચવાનો 'રાજકીય પેંતરો' ગણાવી રહ્યો છે. હાલમાં હોસ્પિટલની બહાર સાદા ડ્રેસમાં પોલીસનો કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
 આ સમગ્ર મામલો નાશિકના કેનેડા કોર્નર વિસ્તારનો છે. આરોપ છે કે મણિકરાવ કોકાટેએ 'મુખ્યમંત્રી ક્વોટા' હેઠળ ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકો માટે અનામત રાખેલા ફ્લેટ મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ગરીબોના હકના ફ્લેટ હડપ કરવાના આ કેસમાં લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. કાયદા મુજબ, બે વર્ષ કે તેથી વધુની સજા થતા જ લોકપ્રતિનિધિનું પદ આપોઆપ રદ થાય છે, જેથી હવે કોકાટેનું રાજીનામું માત્ર એક ઔપચારિકતા બની ગયું છે.
આ ઘટનાક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તાત્કાલિક દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સરકાર ભ્રષ્ટાચારના આરોપોનો બોજ સહન નહીં કરે અને પક્ષની છબી બચાવવા માટે કોકાટેનું રાજીનામું લેવું અનિવાર્ય છે. બીજી તરફ, સામાજિક કાર્યકર અંજલી દિઘોલ રાઠોડની મક્કમ કાનૂની લડાઈને કારણે આજે એક શક્તિશાળી મંત્રીને કાયદા સામે નમવું પડ્યું છે. હવે સૌની નજર 19 ડિસેમ્બરની સુનાવણી પર છે. શું પોલીસ મંત્રીને હોસ્પિટલમાંથી સીધા જેલ ભેગા કરશે કે કોકાટે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મેળવી શકશે? આ સવાલ અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર છે

(7:59 PM IST)