<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

અચાનક ભાડા વધારાથી છૂટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ

ઓલા-ઉબરને ટક્કર આપતી દેશી સર્વિસઃપહેલી જાન્યુઆરીથી સૌપ્રથમ દિલ્હીમાં આ સર્વિસને લોન્ચ કરવામાં આવશે અને ગુજરાતમાં પણ એની ટ્રાયલ ચાલુ છે

નવી દિલ્હી : ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓને ટક્કર આપવા અને ગ્રાહકોને વધુ સારી અને સસ્તી સુવિધા પૂરી પાડવા માટે દિલ્હીમાં ભારત ટેક્સી એપ લોન્ચ કરવામાં આવી રહી છે. પહેલી જાન્યુઆરીથી સૌપ્રથમ દિલ્હીમાં આ સર્વિસને લોન્ચ કરવામાં આવશે અને ગુજરાતમાં પણ એની ટ્રાયલ ચાલુ છે. એના દ્વારા ટેક્સી સર્વિસ સેક્ટરમાં એક નવી પહેલ શરૃ થઈ શકે છે. આ એપ્લિકેશન દ્વારા ભારતીયોને સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને સસ્તી સુવિધા પૂરી પાડવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર હવે ડિજિટલ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એપ્લિકેશન એક દેશી સર્વિસ તરીકે સામે આવી રહી છે. સરકારની મદદથી આ સર્વિસને શરૃ કરવામાં આવી રહી છે. ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીએ આ એપ્લિકેશન ટક્કર આપશે.

ભારત ટેક્સી એક એપ્લિકેશન આધારિત કેબ બુકિંગ પ્લેટફોર્મ છે. ઓલા અને ઉબરની જેમ આ સર્વિસ પણ મોબાઇલની મદદથી બુક કરી શકાશે. એને સામાન્ય ભારતીયોની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ સેવાને સહકાર ટેક્સી કોઓપરેટિવ સાથે મળીને સરકારની મદદથી શરૃ કરવામાં આવી છે. એમાં સંપૂર્ણ રીતે ડ્રાઇવરના હકને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે અને તેમના હિતને પણ. આ એપ્લિકેશનની મદદથી યાત્રીઓ લોકલ અને આઉટસ્ટેશન બન્ને યાત્રાઓ બુક કરી શકશે.

ભારત ટેક્સી એપ્લિકેશનની સૌથી મહત્વની વાત એ હશે કે એના દ્વારા યાત્રીઓને ઓલા અને ઉબર જેવી કંપનીઓની અચાનક કિંમત વધારી દેવાની ટેવથી છૂટકારો મળશે. પીક ટાઇમ, ખરાબ મોસમ અને તહેવાર દરમ્યાન જ્યારે ટેક્સીની ડિમાન્ડ હોય ત્યારે ઓલા અને ઉબર દ્વારા અચાનક કિંમત વધારી દેવામાં આવે છે. આથી યાત્રીઓને હવે એનાથી હાંશકારો મળશે એવી આશા છે. ભારત ટેક્સી એપમાં ભાડું પહેલેથી નક્કી અને પારદર્શક હશે.

ભારત ટેક્સી એપ્લિકેશન ડ્રાઇવર ફ્રેન્ડલી મોડલ પર કામ કરે છે. એમાં ડ્રાઇવરને ૮૦ ટકાથી પણ વધુ ભાડું મળી શકશે. આથી તેમની કમાણીમાં વધારો થશે અને તેઓ કોઈ પણ પ્રકારના દબાવ વગર મુક્તપણે કામ કરી શકશે. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે કેબ ડ્રાઇવર પ્રાઇવેટ ટેક્સીની મનમાનીથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. જોકે હવે તેમને પણ એનાથી છૂટકારો મળશે.

આ એપ્લિકેશન લોન્ચ થાય એ પહેલાં જ દિલ્હીમાં લગભગ ૫૬ હજાર ડ્રાઇવરો દ્વારા ભારત ટેક્સી એપ પર રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ આંકડા પરથી ખબર પડે છે કે ડ્રાઇવરોમાં આ એપ્લિકેશનને લઈને કેટલો ઉત્સાહ છે. સરકારને ખાતરી છે કે શરૃઆતથી જ યાત્રીઓને પૂરતી કેબ મળી રહેશે અને તેમણે રાહ નહીં જોવી પડે.

ભારત ટેક્સી એપ્લિકેશન પર યાત્રીઓને ઓટો, કાર અને બાઇક ટેક્સી ત્રણેની સુવિધા મળશે. ઓલા, ઉબર અને રેપિડો જેવી આ એપ્લિકેશન પર પણ દરેક યુઝરને તેમની જરૃરિયાત અનુસાર વાહન મળી રહેશે. આ પ્લેટફોર્મ પર લોકલથી લઈને દૂર જવા માટેના દરેક વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૃઆતથી દિલ્હીના રોડ પર આ એપ્લિકેશન કેવી અસરકારક રહે એના પર સૌની નજર છે.

(8:31 PM IST)