<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સંસદમાં સંગ્રામઃ મનરેગાના સ્થાને 'VBG રામજી' બિલ પસાર

વિપક્ષી સાંસદોએ ગૃહમાં બિલના પાના ફાડી હવામાં ઉડાડ્યા : ગ્રામીણ રોજગારી માટે નવું મિશન શરૃ થશેઃ શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, તા.૧૮: શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં દાયકાઓથી ચાલી આવતી મનરેગા યોજનાના સ્થાને ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (VBG રામજી) બિલ રજૂ કરવામાં આવ્યું. જેવું આ બિલ પસાર કરવાની પ્રક્રિયા શરૃ થઈ, કે તરત જ વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી આવ્યા હતા અને લોકશાહીની ગરિમાને બાજુ પર મૂકી બિલની નકલો ફાડી નાખી હતી. હંગામાની સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાટેલા કાગળો હવામાં ઉડતા જોવા મળ્યા હતા, તેમ છતાં સરકારે મક્કમ રહીને આ બિલને ધ્વનિ મતના આધારે પસાર કરી દીધું હતું.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષના વિરોધ વચ્ચે અત્યંત આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીના નામે માત્ર રાજનીતિ કરી છે અને મનરેગાને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે મોદી સરકારે મનરેગામાં રહેલી તમામ ખામીઓ અને લૂંટના રસ્તાઓ બંધ કરી દીધા છે. ચૌહાણે કટાક્ષ કર્યો કે કોંગ્રેસના ચહેરા પર રામ છે પરંતુ બગલમાં છરી છે. આ નવું બિલ માત્ર રોજગારી જ નહીં પરંતુ ગ્રામીણ ભારતની આજીવિકામાં ક્રાંતિ લાવશે અને ગરીબોના સીધા ખાતામાં નાણાં પહોંચાડવાની વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે.

આ બિલને લઈને વિપક્ષનો મુખ્ય વાંધો યોજનાના નામ અને માળખામાં થયેલા ફેરફાર સામે છે. કોંગ્રેસના સાંસદો અને પ્રિયંકા ગાંધી તરફથી કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપતા શિવરાજ સિંહે કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારે વર્ષો સુધી દેશની યોજનાઓને પોતાના નામ સાથે જોડીને મહિમાગાન કર્યું છે, જ્યારે આ સરકારે વિકસિત ભારતના વિઝન સાથે ગરીબોનું કલ્યાણ લક્ષ્યમાં રાખ્યું છે. તેમણે કાશ્મીરની કલમ ૩૭૦ થી લઈને કટોકટી સુધીના મુદ્દાઓ ઉઠાવીને વિપક્ષને ભીંસમાં લીધા હતા. આ બિલના અમલ સાથે હવે મનરેગાનું જૂનું માળખું બદલાઈ જશે અને તેના સ્થાને નવી શરતો અને સુવિધાઓ સાથેનું મિશન કાર્યરત થશે.

VBG રામજી બિલના પસાર થવાથી ગ્રામીણ વિસ્તારોમાં ખેતમજૂરો અને ગરીબ પરિવારો માટે રોજગારની ગેરંટીનું નવું માળખું અમલી બનશે. સરકારનો દાવો છે કે આનાથી વિકાસ પ્રોજેકટ્સની ગતિ વધશે અને ભંડોળનો જે દુરુપયોગ પહેલા થતો હતો તે અટકી જશે. જોકે, સંસદમાં જે રીતે બિલ ફાડવાની ઘટના બની છે તે આગામી દિવસોમાં રાજકીય માહોલને વધુ ગરમાવે તેવા એંધાણ છે. હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે, જ્યાં પણ વિપક્ષી એકતા અને સરકારની મક્કમતા વચ્ચે મોટો જંગ ખેલાવાની પૂરી સંભાવના છે. 

(3:34 PM IST)