<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

નિયંત્રણ રેખા પર ઠંડીનો કહેરઃ સેનાએ ઘૂસણખોરી રોકવા સુરક્ષા કવચ સજ્જડ કર્યું

આતંકવાદીઓ દ્વારા કાર્યપ્રણાલીમાં ફેરફારઃ પકડાઈ જવાની બીકથી સેટેલાઈટ ફોન કે ખાસ સોફટવેરને બદલે સ્‍થાનિક મોબાઈલ નેટવર્કનો ઉપયોગ

જમ્‍મુઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં શિયાળાની શરૂઆત સાથે જ સરહદ પારથી આતંકવાદી ગતિવિધિઓ વધવાની આશંકા વચ્‍ચે ભારતીય સેનાએ હાઈ-ટેક ઉપકરણો અને સઘન પેટ્રોલિગ દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા લોખંડી બનાવી દીધી છે. સેનાએ ઊંચા પહાડો, ગાઢ જંગલો અને દુર્ગમ પહાડી માર્ગો પર પોતાની હાજરી વધારી દીધી છે જેથી હિમવર્ષાનો લાભ લઈને આતંકીઓ ભારતીય સરહદમાં પ્રવેશી ન શકે.

 જમ્‍મુ-કાશ્‍મીરમાં શિયાળા દરમિયાન સુરક્ષા યોજના હેઠળ સેનાએ નિયંત્રણ રેખાની આસપાસના સંવેદનશીલ વિસ્‍તારોમાં પેટ્રોલિગ વધારી દીધું છે. ઠંડા હવામાનમાં ધુમ્‍મસ અને લોકોની ઓછી અવરજવર આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ પરિસ્‍થિતિઓ ઊભી કરી શકે છે, જેને ધ્‍યાનમાં રાખીને મુખ્‍ય માર્ગો અને પરંપરાગત ઘૂસણખોરીના રસ્‍તાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ કાશ્‍મીરમાં શિયાળા પહેલા અનેક જરૂરી પગલાં લીધાં છે. સેના ઘૂસણખોરી વિરોધી તંત્રને મજબૂત કરી રહી છે અને નિયંત્રણ રેખા પરની વાડને વધુ સુરક્ષિત બનાવી રહી છે.

 સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આતંકવાદીઓ હવે તેમની કાર્યપ્રણાલીમાં ફેરફાર કરી રહ્યા છે. તેઓ પકડાઈ જવાની બીકથી સેટેલાઈટ ફોન કે ખાસ સોફટવેરને બદલે સ્‍થાનિક મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. આ વ્‍યૂહરચનાને પ્‍લટાવવા માટે સુરક્ષા દળોએ વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આધુનિક ટેકનોલોજી જેવી કે થર્મલ ઈમેજર, હાઈ-ટેક કેમેરા અને નાના ડ્રોન દ્વારા સરહદની સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને ‘કામિકેઝ' ડ્રોન અને ઝડપી પ્રતિભાવ ટીમોની સ્‍થાપના કરવામાં આવી છે જેથી કોઈપણ આપત્તિજનક સ્‍થિતિમાં ત્‍વરિત કાર્યવાહી કરી શકાય. ગુપ્તચર માહિતી મેળવવા માટે ટેકનોલોજીની સાથે માનવીય સંપર્કો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

(4:22 PM IST)