બંગાળની ખાડીમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક: ૩૫ બાંગ્લાદેશી માછીમારો કસ્ટડીમાં, ઢાકાએ લગાવ્યો ‘પજવણી’નો ગંભીર આરોપ
ભારતીય કોસ્ટ ગાર્ડે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાંથી પકડી પાડી બે ગેરકાયદે બોટ; સીમા ઉલ્લંઘન મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો

કોલકાતા, તા. ૧૮ : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ખટાશ જોવા મળી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ૧૬ ડિસેમ્બરના રોજ ઉત્તર બંગાળની ખાડીમાં ભારતીય દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરનારી બે બાંગ્લાદેશી માછીમારી બોટને પકડી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ૩૫ ક્રૂ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે ૫૦૦ કિલોગ્રામ ગેરકાયદેસર રીતે પકડાયેલી માછલીઓ જપ્ત કરવામાં આવી છે. જોકે, બાંગ્લાદેશના પાટનગર ઢાકાએ આ ઘટનાને ભારતીય દળો દ્વારા ગરીબ માછીમારોની ‘પજવણી’ ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.
પૂર્વ આયોજિત ઘૂસણખોરી કે ભૂલ?
ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ 'અનમોલ' દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બોટને ભારતીય પાણીમાં ઊંડે સુધી માછીમારી કરતા જોવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે કોઈ પણ માછીમાર પાસે ભારતીય સરહદમાં પ્રવેશવાની માન્ય પરમિટ નહોતી. ભારતીય ગુપ્તચર સંસ્થાઓના મતે, આ માત્ર આર્થિક જરૂરિયાત નથી, પરંતુ બાંગ્લાદેશ દ્વારા જાણીજોઈને કરવામાં આવતું ‘ગ્રે-ઝોન’ દબાણ છે, જેમાં નાગરિક બોટનો ઉપયોગ કરીને પાડોશી દેશની સાર્વભૌમત્વને પડકારવામાં આવે છે.
ઢાકામાં ભારત વિરોધી ભાવનાને ભડકાવવાનો પ્રયાસ
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના કેટલાક રાજકીય જૂથો અને મીડિયા દ્વારા આ ધરપકડનો ઉપયોગ ભારત વિરોધી વાતાવરણ ઉભું કરવા માટે કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશી પક્ષનો દાવો છે કે ભારતીય સત્તાવાળાઓ દરિયાકાંઠાના સમુદાયોની આજીવિકા પ્રત્યે અસંવેદનશીલ છે. જ્યારે ભારતનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦થી વધુ બાંગ્લાદેશીઓની આવી ઘૂસણખોરીના ગુનામાં અટકાયત કરવામાં આવી છે, જે એક ચિંતાજનક પેટર્ન દર્શાવે છે.
કોસ્ટ ગાર્ડની સતર્કતા અને કાયદાકીય કાર્યવાહી
ધરપકડ કરાયેલા ૩૫ માછીમારોને પશ્ચિમ બંગાળના ફ્રેઝરગંજ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. તેમની સામે ‘મેરીટાઇમ ઝોન એક્ટ, ૧૯૮૧’ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક તરફ પાકિસ્તાની બોટ ગુજરાત સરહદે પકડાઈ રહી છે, ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં બાંગ્લાદેશી બોટોની આ ઘૂસણખોરીએ ભારતીય સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરી દીધી છે.
નિષ્ણાતો માને છે કે આ વિવાદ આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેની રાજદ્વારી વાટાઘાટોમાં મુખ્ય મુદ્દો બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
