તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
ભારતના પરમાણુ ભવિષ્યનો નવો અધ્યાય: રાજ્યસભામાં ‘પરમાણુ ઉર્જા બિલ 2025’ પર મંથન, ખાનગી રોકાણ અને સુરક્ષાના નવા સમીકરણો
૬ દાયકા જૂના કાયદાનો આવશે અંત; ૨૧મી સદીની ઉર્જા જરૂરિયાતો માટે નરેન્દ્ર મોદી સરકારનું મોટું કદમ, વિપક્ષે ખાનગીકરણ મુદ્દે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, તા. ૧૮ : ભારતની ઉર્જા સુરક્ષા અને પરમાણુ ક્ષમતાને આધુનિક બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું 'ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા બિલ ૨૦૨૫' (પરમાણુ ઉર્જા બિલ) આજે રાજ્યસભામાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. લોકસભામાં ગઈકાલે જ પસાર થયેલું આ બિલ ૧૯૬૨ના જૂના પરમાણુ ઉર્જા અધિનિયમનું સ્થાન લેશે, જે દેશમાં પરમાણુ ઉર્જાના ઉત્પાદન, સુરક્ષા અને જવાબદારીના માળખામાં ક્રાંતિકારી ફેરફારો લાવશે.
બજેટમાં ૧૦૭% નો જંગી વધારો અને નવા લક્ષ્યો
ચર્ચા દરમિયાન અણુ ઊર્જા રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરમાણુ ક્ષેત્રનું બજેટ ૧૩,૮૭૯ કરોડથી વધારીને ૩૭,૪૮૩ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પરમાણુ ક્ષેત્રમાં સંયુક્ત સાહસો (Joint Ventures) માટે દ્વારા ખોલી રહી છે, જેનાથી પ્રોજેક્ટ્સની ગતિ વધશે. તાજેતરમાં જ રાજસ્થાનમાં ચાર નવા રિએક્ટરનો શિલાન્યાસ આ દિશામાં એક મોટું પગલું છે.
શું છે આ નવા બિલની વિશેષતાઓ?
૧. નવું નિયમનકારી માળખું: પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડ અને સલાહકાર પરિષદની સ્થાપના થશે.
૨. ન્યુક્લિયર લાયબિલિટી ફંડ: કોઈપણ પરમાણુ ઘટનાની સ્થિતિમાં વળતર માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ફંડની જોગવાઈ.
૩. યુરેનિયમ સંશોધન: સરકારને યુરેનિયમ અને થોરિયમના સંશોધન માટે વધુ સત્તા આપવામાં આવી છે.
૪. કિરણોત્સર્ગી સુરક્ષા: પદાર્થોની આયાત-નિકાસ અને પરિવહન માટેના કડક નિયમો.
સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ
ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચેતવણી આપી હતી કે પરમાણુ ઉર્જા જેવું સંવેદનશીલ ક્ષેત્ર માત્ર જાહેર ક્ષેત્ર (Public Sector) હસ્તક જ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને આમાં લાવવું એ ભારતીય વૈજ્ઞાનિકોની પરંપરાને અવગણવા જેવું છે. બીજી તરફ, TMC અને CPI(M) ના સાંસદોએ પણ સુરક્ષાના પાસાઓ અને ખાનગી સપ્લાયર્સના હિતોના રક્ષણનો મુદ્દો ઉઠાવી બિલનો વિરોધ કર્યો હતો.
ભાજપના સાંસદ કિરણ ચૌધરી અને YSRCP ના અયોધ્યા રામી રેડ્ડીએ બિલનું સમર્થન કરતા કહ્યું કે, જૂના અને વિખરાયેલા નિયમોને બદલીને એકીકૃત માળખું લાવવું એ સમયની માંગ છે અને તેનાથી ક્લીન એનર્જી (સ્વચ્છ ઉર્જા) ના લક્ષ્યો સિદ્ધ થશે.
રાજ્યસભામાં હજુ પણ આ બિલ પર ગહન ચર્ચા ચાલી રહી છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
