<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક આર્થિક કરાર: વડાપ્રધાન મોદીએ મસ્કતમાં ‘નવા યુગના ઉદય’ની કરી જાહેરાત

મસ્કત: ઓમાનની બે દિવસીય મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્કત ખાતે ‘ભારત-ઓમાન બિઝનેસ ફોરમ’ને સંબોધન કર્યું હતું. આ તકે બંને દેશો વચ્ચે ‘વ્યાપક આર્થિક ભાગીદારી કરાર’ (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ કરાર ભારત અને ઓમાનના સહિયારા ભવિષ્યની રૂપરેખા છે, જે ૨૧મી સદીમાં બંને દેશોના વેપાર અને રોકાણને નવી ઊર્જા પૂરી પાડશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓમાનની રાજધાની મસ્કતમાં આયોજિત ભારત-ઓમાન બિઝનેસ ફોરમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધતા ભારતની બદલાતી આર્થિક તસવીર રજૂ કરી હતી. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે ‘વ્યાપક આર્થિક ભાગીદારી કરાર’ (સી ઈ પી એ) પર મહોર મારવામાં આવી છે, જેને વડાપ્રધાને બંને દેશોના આર્થિક સંબંધોમાં એક મોટું પરિવર્તન ગણાવ્યું હતું.

 

*ભારતનું આર્થિક ડીએનએ બદલાયું છે: વડાપ્રધાન*

પોતાના સંબોધનમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં છેલ્લા ૧૧ વર્ષમાં થયેલા માળખાગત સુધારાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, "ભારતે માત્ર તેની નીતિઓ જ નથી બદલી, પરંતુ દેશનું આર્થિક મૂળભૂત માળખું (ડીએનએ) પણ બદલી નાખ્યું છે." તેમણે જીએસટી અને નાદારી કાયદા (આઈ બી સી) જેવા સુધારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આનાથી ભારતના બજારમાં પારદર્શકતા વધી છે અને રોકાણકારોનો ભરોસો મજબૂત થયો છે. તેમણે ઉમેર્યું કે ભારત હાલ ૮% થી વધુના દરે વિકાસ કરી રહ્યું છે, જે તેને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવે છે.

 

*ઐતિહાસિક સંબંધો અને નવી તકો*

વડાપ્રધાને કચ્છના માંડવી અને ઓમાનના મસ્કત વચ્ચેના સદીઓ જૂના દરિયાઈ વેપારના સંબંધોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે અરબી સમુદ્ર એ બંને દેશોને જોડતો એક મજબૂત સેતુ રહ્યો છે. ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કરાર માત્ર એક કાગળ નથી, પરંતુ ભવિષ્યની સમૃદ્ધિનો માર્ગ છે.

 

કરારની મુખ્ય વિશેષતાઓ:

 

 * શૂન્ય આયાત ડ્યૂટી: આ કરાર હેઠળ ઓમાનના ૯૮.૦૮% ટેરિફ લાઇન પર ભારતને શૂન્ય ડ્યૂટીની સુવિધા મળશે, જે ભારતના ૯૯.૩૮% નિકાસ મૂલ્યને આવરી લે છે.

 

 * રોજગારીમાં વધારો: કાપડ, રત્ન-આભૂષણો, ચામડું, ફુટવેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિકાસકારોને આનાથી મોટો લાભ થશે, જેનાથી ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

 

 * કૃષિ અને ટેકનોલોજી: વડાપ્રધાને ‘ભારત-ઓમાન કૃષિ ઇનોવેશન હબ’ અને ‘ઇનોવેશન બ્રિજ’ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની ભૂમિકા

નરેન્દ્રભાઈ મોદીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ૩ નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતની આ પ્રગતિનો લાભ ઓમાન જેવા નજીકના મિત્ર દેશોને સૌથી વધુ મળશે. આ તકે તેમણે ઓમાનના ઉદ્યોગપતિઓને ભારતના વિકાસમાં ભાગીદાર બનવા અને ગ્રીન એનર્જી, ફિનટેક તેમજ ડિજિટલ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

 

આ મુલાકાત દરમિયાન ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ હતી, જેમાં સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

(8:49 PM IST)