<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

વેકેશનમાં પણ ન્યાયના દ્વાર ખુલ્લા: 22 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ તાત્કાલિક કેસોની સુનાવણી કરશે

'ન્યાયાધીશો પર બોજ નહીં નાખીએ, પણ અન્યાય નહીં થવા દઈએ' - CJI સૂર્યકાંતનો સંવેદનશીલ નિર્ણય; ક્રિસમસની રજાઓમાં એક કે બે બેન્ચ કાર્યરત રહેશે

નવી દિલ્હી | તા.19 : દેશની સર્વોચ્ચ અદાલતમાં શિયાળુ વેકેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતએ ન્યાયિક કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. CJIએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓના પ્રથમ દિવસે એટલે કે 22 ડિસેમ્બર, સોમવારના રોજ સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ તાત્કાલિક કેસોના નિકાલ માટે બેસશે.
ન્યાયાધીશોને તકલીફ ન પડે તેનું ધ્યાન
CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રજાના સમયમાં અન્ય ન્યાયાધીશો પર વધારાનો બોજ નાખવા માંગતા નથી. તેમણે જણાવ્યું કે, "અમે સોમવારે બેસીશું અને કેસોની સંખ્યાને આધારે નક્કી કરીશું કે એક બેન્ચ રાખવી કે બે. હું અન્ય ન્યાયાધીશોને પરેશાન કરવા માંગતો નથી, કારણ કે નવા કેસો માટે મોડી રાત સુધી ફાઈલોનો અભ્યાસ કરવો પડતો હોય છે." આ નિર્ણયથી એવા અરજદારોને મોટી રાહત મળશે જેમના કેસ અત્યંત ગંભીર અને તાત્કાલિક સુનાવણી લાયક છે.
જુનિયર વકીલોને પ્રોત્સાહન
આ સુનાવણી દરમિયાન એક રસપ્રદ ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે CJIએ કોર્ટમાં હાજર જુનિયર વકીલોને પ્રોત્સાહિત કર્યા. તેમણે તાત્કાલિક લિસ્ટિંગની માંગ કરી રહેલા વકીલોને કહ્યું કે, "જો તમે પોતે તમારા કેસની દલીલ કરશો, તો જ અમે સોમવારે તેની સુનાવણી હાથ ધરીશું." આ પગલાને કાનૂની ક્ષેત્રમાં યુવા પ્રતિભાઓને આગળ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
રજિસ્ટ્રી કરશે કેસોની ચકાસણી
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે કે તેઓ કેસોની 'તાકીદ' (Urgency) તપાસે અને જે ખરેખર તાત્કાલિક સુનાવણીની જરૂર હોય તેવા જ કેસોની યાદી તૈયાર કરે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ 22 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી, 2026 સુધી ક્રિસમસ વેકેશનને કારણે બંધ રહેવાની છે, પરંતુ આ વિશેષ બેન્ચને કારણે અતિ મહત્વના કેસોમાં ન્યાય વિલંબિત થશે નહીં.

(5:01 PM IST)