News of Friday, 19th December 2025
ડ્રેગનને પછાડવા ભારત-અમેરિકાની દોસ્તીમાં નવો અધ્યાય: રાષ્ટ્રપતિ ટ્રમ્પે NDAA 2026 પર હસ્તાક્ષર કર્યા, ભારત હવે અમેરિકાનો 'મુખ્ય સાથી'
'શાંતિ દ્વારા શક્તિ'ના એજન્ડા હેઠળ ક્વાડ દેશો સાથે જોડાણ મજબૂત કરાશે; ભારત સાથે સંરક્ષણ વેપાર અને પરમાણુ કરારના મૂલ્યાંકન પર વિશેષ ભાર

વોશિંગ્ટન | તા.19 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાણાકીય વર્ષ 2026 માટેના મહત્વકાંક્ષી રાષ્ટ્રીય સંરક્ષણ અધિકૃતતા અધિનિયમ (NDAA) પર હસ્તાક્ષર કરીને ભારત સાથેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડ્યા છે. આ કાયદામાં ભારતને સ્પષ્ટપણે અમેરિકાના 'મુખ્ય સાથી' (Major Ally) તરીકે માન્યતા આપવામાં આવી છે, જે ચીન દ્વારા ઉભા કરવામાં આવેલા વધતા જતા જોખમોનો સામનો કરવા માટે અત્યંત મહત્વનું ગણવામાં આવે છે.
ઈન્ડો-પેસિફિકમાં ભારતની મહત્વની ભૂમિકા
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ નવો કાયદો અમેરિકાના સંરક્ષણ વિભાગને 'શાંતિ દ્વારા શક્તિ' (Peace through Strength) ના એજન્ડાને અમલમાં મૂકવા માટે સક્ષમ બનાવશે. આ કાયદા હેઠળ ક્વાડ (Quad) એટલે કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેના સહયોગને વધુ વિસ્તૃત કરવામાં આવશે. જેમાં સંયુક્ત લશ્કરી કવાયત, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ વેપાર અને માનવતાવાદી સહાય જેવા ક્ષેત્રોમાં ભારત સાથે ઉંડુ જોડાણ કરવાની જોગવાઈ છે.
સંરક્ષણ ઔદ્યોગિક પાયાનું એકીકરણ
આ કાયદો માત્ર સૈન્ય સહયોગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે સંરક્ષણ ઔદ્યોગિક પાયાને એકીકૃત કરવા પર પણ ભાર મૂકે છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને ટેકનોલોજી શેરિંગમાં ભારતને પ્રાથમિકતા મળશે. વધુમાં, વોશિંગ્ટનમાં હસ્તાક્ષર કરાયેલા 2008 ના ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર હેઠળ યુએસ-ભારત પરમાણુ જવાબદારી નિયમોના સંયુક્ત મૂલ્યાંકન માટે પણ આ કાયદામાં હાકલ કરવામાં આવી છે.
ચીન માટે મજબૂત સંદેશ
ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનની આક્રમકતાને રોકવા માટે એક મજબૂત કિલ્લેબંધી તૈયાર થશે. ભારતને અમેરિકાના મુખ્ય સાથી તરીકે સત્તાવાર માન્યતા મળવાથી હવે બંને દેશો વચ્ચે અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજીનું આદાનપ્રદાન વધુ સરળ બનશે. અમેરિકાના આ પગલાને વૈશ્વિક રાજનીતિમાં ભારતની વધતી જતી તાકાતના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યું છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
