ખાખી પર કલંક! નોઈડા પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલ પર કથિત જાતીય હુમલો: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, સીસીટીવી ફૂટેજ સીલ કરવા આદેશ
"જો દિલ્હીની આસપાસ આવું થતું હોય તો દેશની શું હાલત હશે?" - સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકારી નોટિસ; મહિલા વકીલને ગનપોઈન્ટ પર રાખી 14 કલાક ટોર્ચર કર્યાનો આક્ષેપ

નવી દિલ્હી | તા.19 : દેશની રાજધાનીને અડીને આવેલા હાઈટેક સિટી નોઈડામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નોઈડાના એક પોલીસ સ્ટેશનમાં પોતાની વ્યાવસાયિક ફરજ બજાવવા ગયેલી એક મહિલા વકીલ પર ગેરકાયદેસર અટકાયત અને કસ્ટોડિયલ જાતીય હુમલો થયાના આરોપસર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મહિલા વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, 3 ડિસેમ્બરની મોડી રાત્રે જ્યારે તેણી તેના ક્લાયન્ટ માટે એફઆઈઆર (FIR) નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી, ત્યારે પોલીસ કર્મચારીઓએ તેને 14 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે પોલીસ અધિકારીઓએ મહિલા વકીલના ગળા પર પિસ્તોલ રાખીને તેને જાનથી મારી નાખવાની અને 'નકલી એન્કાઉન્ટર' કરવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેણી પર જાતીય હુમલો કરવામાં આવ્યો અને મોબાઈલ પાસવર્ડ મેળવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના કડક આદેશો
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે આ મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો છે. કોર્ટે ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનરને તાત્કાલિક આદેશ આપ્યો છે કે:
• સંબંધિત પોલીસ સ્ટેશનના તે સમયગાળાના સીસીટીવી (CCTV) ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે.
• આ ફૂટેજનો નાશ ન થાય તેની ખાતરી કરી તેને સીલબંધ કવરમાં લેવામાં આવે.
• કોર્ટે નોંધ્યું કે આ એક 'ટેસ્ટ કેસ' હોઈ શકે છે કારણ કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવા છતાં આવી ઘટના બની છે.
વરિષ્ઠ વકીલની દલીલ અને સુરક્ષાનો મુદ્દો
અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે, "જો નોઈડા જેવા વિસ્તારમાં મહિલા વકીલ સુરક્ષિત નથી, તો સમગ્ર દેશની સ્થિતિ શું હશે?" તેમણે આરોપ લગાવ્યો કે પુરાવાનો નાશ કરવા માટે જાણીજોઈને સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સુરક્ષાનો મુદ્દો ઉઠાવાયો ત્યારે બેન્ચે ખાતરી આપી હતી કે, "આ આદેશ બાદ પોલીસ તેને સ્પર્શ કરવાની હિંમત પણ નહીં કરે."
સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા સીબીઆઈ (CBI) તપાસની માંગણી પર પણ વિચારણા કરવા સંકેત આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરી, 2026 ના રોજ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
