તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
રણ પ્રદેશમાં જળપ્રલય: UAEમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ, દુબઈ-શારજાહના રસ્તાઓ નદી બન્યા; ડઝનેક ફ્લાઈટ્સ રદ
એપ્રિલ 2024ના પૂરની યાદો તાજી થઈ; સત્તાવાળાઓએ રહેવાસીઓને ઘરની અંદર રહેવા આપી સૂચના, જળબંબાકારને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

દુબઈ | તા.19 : રેતાળ મેદાનો અને ગગનચુંબી ઈમારતો ધરાવતા સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શુક્રવારે આભ ફાટ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. મહિનાઓ બાદ પડેલા સૌથી ભારે વરસાદે દુબઈ અને શારજાહ જેવા મેટ્રો શહેરોને બાનમાં લીધા છે. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે શરૂ થયેલા આ વરસાદે ગણતરીના કલાકોમાં જ આધુનિક શહેરોના રસ્તાઓને પાણીમાં ગરકાવ કરી દીધા હતા.
એરપોર્ટ ઠપ્પ, મુસાફરો અટવાયા
ભારે વરસાદ અને ખરાબ વિઝિબિલિટીને કારણે દુબઈ અને શારજાહ એરપોર્ટ પર હવાઈ ટ્રાફિકને માઠી અસર પહોંચી છે. અમીરાત એરલાઈને શુક્રવારે તેની 13 ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી, જ્યારે ડઝનેક ફ્લાઈટ્સ મોડી પડી હતી. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, પ્રતિકૂળ હવામાનને કારણે મુસાફરોની સુરક્ષા માટે આ કડક નિર્ણય લેવો પડ્યો છે.
શહેરોમાં જળબંબાકારની સ્થિતિ
શારજાહ અને દુબઈની મુખ્ય શેરીઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં લોકો ખુલ્લા પગે પાણીમાં ચાલતા અને સાયકલ સવારો અડધા પૈડા સુધી ડૂબેલા જોવા મળ્યા હતા. ગયા વર્ષે એપ્રિલ 2024માં આવેલા ઐતિહાસિક પૂરની યાદો ફરી તાજી થઈ ગઈ છે, જ્યારે દુબઈ દિવસો સુધી ઠપ્પ થઈ ગયું હતું. ઇમરજન્સી ક્રૂ હાલમાં પમ્પિંગ ટ્રકો દ્વારા રસ્તાઓ પરથી પાણી હટાવવાની કામગીરી કરી રહ્યા છે.
સમગ્ર ગલ્ફમાં હવામાનની અસર
માત્ર UAE જ નહીં, પણ કતાર અને સાઉદી અરેબિયા જેવા પાડોશી દેશોમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી છે. કતારમાં યોજાનારો આરબ કપ ફૂટબોલનો પ્લે-ઓફ મુકાબલો પણ વરસાદને કારણે રદ કરવો પડ્યો હતો. હવામાનશાસ્ત્રીઓના મતે, ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તનને કારણે રણ પ્રદેશમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે.
પોલીસની તાકીદની સૂચના
દુબઈ પોલીસે રહેવાસીઓને અપીલ કરી છે કે જ્યાં સુધી "અત્યંત જરૂરી" ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું. રાષ્ટ્રીય હવામાનશાસ્ત્ર કેન્દ્રે હજુ પણ દેશભરમાં વરસાદની ચેતવણી જારી રાખી છે. લોકોને પૂરગ્રસ્ત વિસ્તારો અને વાડીઓ (ખીણો)થી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
