<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

બાંગ્લાદેશમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ : યુનુસ સરકાર ફેઈલ! હવે સેનાના હાથમાં કમાન?

વિદ્યાર્થી નેતાની હત્યા બાદ ઢાકાની સડકો પર લોહિયાળ ખેલ, મોહમ્મદ યુનુસની સરકાર લાચાર અને કાયદાનું શાસન ધ્વસ્ત: ભારત વિરોધી ઝેર ઓકતા તત્વો સક્રિય થતા દિલ્હીની ચિંતામાં વધારો

ઢાકા: બાંગ્લાદેશ અત્યારે તેના ઈતિહાસના સૌથી કાળા અને અસ્થિર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની નૃશંસ હત્યાએ સમગ્ર દેશમાં ફાટી નીકળેલા ગુસ્સામાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઓગસ્ટ 2024 ના ઉથલપાથલ પછી એવું લાગતું હતું કે પરિસ્થિતિ થાળે પડશે, પરંતુ વર્તમાન સંજોગો ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર વહીવટી મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. ઢાકાની ગલીઓમાં હવે કાયદાનું નહીં પણ ઉશ્કેરાયેલા ટોળાઓનું શાસન ચાલી રહ્યું છે. જો આ અરાજકતા પર તુરંત કાબૂ મેળવવામાં નહીં આવે, તો બાંગ્લાદેશમાં ફરી એકવાર સૈન્ય હસ્તક્ષેપ અને લશ્કરી શાસનની શક્યતાઓ પ્રબળ બની રહી છે, જે દક્ષિણ એશિયાની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

બાંગ્લાદેશમાં સર્જાયેલો આ રાજકીય શૂન્યાવકાશ ભારત માટે અત્યંત ચિંતાજનક છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશનની બહાર સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. ભારત અત્યાર સુધી 'રાહ જુઓ અને જુઓ'ની નીતિ અપનાવીને સંયમ જાળવી રહ્યું છે, પરંતુ જે રીતે ત્યાં હિન્દુ લઘુમતીઓ અને ભારતીય મિશનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે જોતા નવી દિલ્હીની ધીરજની કસોટી થઈ રહી છે. બાંગ્લાદેશનો આંતરિક વિખવાદ હવે માત્ર સત્તા સંઘર્ષ નથી રહ્યો, પરંતુ તે એક ઉગ્રવાદી વિચારધારાના રાષ્ટ્રવાદમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જેનો મુખ્ય ટાર્ગેટ ભારત છે.

આર્થિક રીતે ઉભરી રહેલું બાંગ્લાદેશ હવે પાયમાલીના આરે ઉભું છે. છેલ્લા દસકાની તમામ પ્રગતિ આ શેરી હિંસા અને અસ્થિરતાને કારણે એળે જઈ રહી છે. વિદેશી રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો આ પરિસ્થિતિને ભયભીત નજરે જોઈ રહ્યા છે. જો યુનુસ સરકાર વહેલી તકે ચૂંટણીઓ યોજવામાં અથવા કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેશે, તો કટ્ટરપંથી તાકાતો દેશનો કબજો લઈ લેશે, જેની સીધી અસર ભારતના પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા પર પડશે. હવે સવાલ એ છે કે શું બાંગ્લાદેશ આ સંકટમાંથી બહાર આવશે કે પછી તે કાયમી અસ્થિરતાના ગર્તામાં ધકેલાઈ જશે?

(6:19 PM IST)