સંસદનું 'સતરંગી' શિયાળુ સત્ર: કૂતરો, ઈ-સિગારેટ અને 'રામ જી' બિલના નામે વિચિત્ર વિવાદ માટે પણ ઓળખાશે
ગંભીર ચર્ચાઓ વચ્ચે ગૂંજ્યા પાળતુ પ્રાણીના વિવાદો, પ્રિયંકા ગાંધીની 'ઘરની વાનગી' અને તૃણમૂલના રાતભરના ધરણા: કાયદાકીય કામકાજ કરતા બિન-સંસદીય કિસ્સાઓએ હેડલાઇન્સમાં મેળવ્યું ટોચનું સ્થાન

નવી દિલ્હી: ભારતીય સંસદનું આ શિયાળુ સત્ર ઈતિહાસના પાનાઓમાં માત્ર પસાર થયેલા બિલો માટે જ નહીં, પરંતુ અણધાર્યા અને વિચિત્ર વિવાદો માટે પણ અંકિત થઈ ગયું છે. સત્ર દરમિયાન સૌથી વધુ ચર્ચા જગાવનાર કિસ્સો રહ્યો કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીનો, જેઓ પોતાની કારમાં એક કૂતરા સાથે સંસદ સંકુલ પહોંચ્યા હતા. આ ઘટનાએ ત્યારે ગંભીર વળાંક લીધો જ્યારે તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, "કરડનારા અને ડંખ મારનારા અસલી લોકો અંદર (ગૃહમાં) બેઠા છે." આ નિવેદનને પગલે ભારે હોબાળો થયો અને મામલો વિશેષાધિકાર સમિતિ સુધી પહોંચ્યો છે. તે જ રીતે, ગૃહમાં ઈ-સિગારેટ પીવાના આરોપે પણ સંસદની ગરિમા પર સવાલ ઉભા કર્યા છે, જેમાં ફોરેન્સિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ સત્રમાં પસાર થયેલા બિલોના નામોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. "સબકા બીમા સબકી રક્ષા" થી લઈને સૌથી વધુ ચર્ચિત "VB જી રામ જી બિલ" (મનરેગાનું નવું સ્વરૂપ) ના નામે રાજકીય ગરમાવો વધાર્યો હતો. વિપક્ષે આ નામો પાછળ ચોક્કસ એજન્ડા હોવાનો આરોપ લગાવ્યો, તો સરકારે તેને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. પરમાણુ ક્ષેત્રના બિલને 'શાંતિ' કહેવા મુદ્દે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું. આ અસામાન્ય નામો વચ્ચે જ્યારે વિપક્ષી સાંસદો વિરોધ કરવા માટે ગૃહના ટેબલ પર ચઢી ગયા, ત્યારે લોકશાહીના મંદિરમાં શિસ્તના ભંગની પરાકાષ્ઠા જોવા મળી હતી, જેના પરિણામે અનેક સાંસદોને આગામી સત્રમાં હાંકી કાઢવાની માંગ ઉઠી છે.
રાજકીય વ્યૂહરચના વચ્ચે પ્રિયંકા ગાંધીની સક્રિયતા આ સત્રનું નવું આકર્ષણ રહી હતી. વંદે માતરમ પર તેમના પ્રભાવશાળી ભાષણથી લઈને નીતિન ગડકરી સાથેની તેમની મુલાકાત ચર્ચામાં રહી. ગડકરીએ પ્રિયંકાને પોતાના નિવાસસ્થાને બોલાવી ઘરે બનાવેલી વાનગીઓ પીરસી તે કિસ્સો સંસદીય સૌજન્યનું ઉદાહરણ બન્યો. જોકે, સત્રના અંતિમ કલાકોમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ મધ્યરાત્રિથી બપોર સુધી જે 12 કલાકના 'રાતભરના ધરણા' કર્યા, તેણે વિરોધ પ્રદર્શનની નવી સીમાઓ અંકિત કરી. આમ, આ શિયાળુ સત્ર કામકાજની સાથે સાથે ચા, ચર્ચા, ચિબાવલા વેડા અને ચોંકાવનારા વિવાદોનું મિશ્રણ બનીને પૂર્ણ થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
