<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ઝેરી ગેસ ચેમ્બર બનેલી દિલ્હી માટે 'બેઇજિંગ મોડેલ' આશાનું કિરણ: ચીને કેવી રીતે મેળવી આભ ફાટી જાય તેવી ગંદી હવામાંથી મુક્તિ?

755 AQI સાથે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ગણાતું બેઇજિંગ આજે 'બ્લુ સ્કાય' હેઠળ શ્વાસ લઈ રહ્યું છે: કડક કાયદા, જૂના વાહનો પર પ્રતિબંધ અને ગ્રીન બેલ્ટના નિર્માણની ચીની જાદુઈ લાકડી શું ભારત માટે કારગત નીવડશે?

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં અત્યારે પ્રદૂષણનું સ્તર એટલું ભયાનક છે કે દરેક શ્વાસ સાથે ઝેર ફેફસાંમાં ઉતરી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે. આંખોમાં બળતરા અને સતત ઉધરસ વચ્ચે હવે ભારતની રાજધાની માટે 'બેઇજિંગ મોડેલ'ની જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. 2013માં ચીનની રાજધાની બેઇજિંગ પણ અત્યારની દિલ્હી જેવી જ લાચાર હતી, જ્યાં AQI 755 સુધી પહોંચી ગયો હતો. જોકે, ચીને તેને 'આંતરરાષ્ટ્રીય શરમ' ગણીને માત્ર 10 વર્ષમાં વાયુ પ્રદૂષણ સામે જંગ જીતી લીધો છે. ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પર આ સફળતાની ગાથા શેર કરતા ભારતીયોમાં કુતૂહલ જાગ્યું છે કે શું દિલ્હીમાં પણ આવું પરિવર્તન શક્ય છે?

બેઇજિંગની આ સફળતા પાછળ ચીની સરકારનો લોખંડી નિર્ધાર અને પાંચ વર્ષીય 'એર પોલ્યુશન પ્રિવેન્શન એક્શન પ્લાન' જવાબદાર છે. ચીને વિશ્વના સૌથી કડક 'યુરો 6' સમકક્ષ બળતણ ધોરણો લાગુ કર્યા અને લાખો જૂના પ્રદૂષિત વાહનોને સડક પરથી હટાવી દીધા. એટલું જ નહીં, શહેરમાં નવી કાર ખરીદવા માટે 'લાઇસન્સ-પ્લેટ લોટરી' જેવી આકરી સિસ્ટમ દાખલ કરી જેથી વાહનોની સંખ્યા મર્યાદિત કરી શકાય. સાથે જ ઇલેક્ટ્રિક વાહનો અને વિશ્વના સૌથી મોટા મેટ્રો નેટવર્કનું નિર્માણ કરીને સાર્વજનિક પરિવહનને મજબૂત બનાવ્યું. શહેરની આસપાસ વિશાળ જંગલો અને ગ્રીન બેલ્ટ બનાવીને ધૂળના તોફાનો પર પણ કાબૂ મેળવ્યો હતો.

જોકે, નિષ્ણાતો માને છે કે બેઇજિંગનું આ હૂબહૂ મોડેલ દિલ્હીમાં લાગુ કરવું પડકારજનક છે. CPCB ના પૂર્વ ડાયરેક્ટર ડૉ. દીપાંકર સાહાના મતે, ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થામાં જે નિર્ણયો રાતોરાત લાગુ થઈ શકે, તે ભારત જેવા લોકશાહી દેશમાં મુશ્કેલ છે. ભારતમાં લોકોની આજીવિકા, વહીવટી મર્યાદાઓ અને મુક્ત અવરજવરના અધિકારોને કારણે ચીન જેવી કડકાઈ શક્ય નથી. તેમ છતાં, જો દિલ્હી-એનસીઆરના પાડોશી રાજ્યો એકજૂથ થઈને ઉદ્યોગોના નિયમન અને હરિયાળી વધારવા પર ધ્યાન આપે, તો બેઇજિંગની જેમ દિલ્હીના આકાશમાં પણ ફરી વાદળી રંગ અને શુદ્ધ હવા જોઈ શકાય છે.

(7:30 PM IST)