<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

'રિવેન્જ પોર્ન' સામે મહિલાનો ટેક-જંગ: પોતાની અંગત તસવીરો લીક થતા મેડેલીને બનાવી 'ઇમેજ એન્જલ'; હવે અદૃશ્ય વોટરમાર્કથી પકડાશે અસલી ગુનેગાર

"ફોટો મેં પાડેલા એટલે ભૂલ મારી નથી, જેણે લીક કર્યા તે ગુનેગાર છે" - પીડિત મહિલાનો મક્કમ અવાજ; હોલીવુડની ટેકનોલોજીનો ઉપયોગ કરી ફોટોગ્રાફ્સના દુરુપયોગને અટકાવતું નવું સુરક્ષા કવચ

કાર્ડિફ : પ્રોફેશનલ ડોમિનેટ્રિક્સ તરીકે કામ કરતી મેડેલીન થૉમસ માટે પોતાની ખાનગી પળોની તસવીરો લીક થવી એ અત્યંત પીડાદાયક અને અપમાનજનક અનુભવ હતો. સમાજ જ્યારે આવી સ્થિતિમાં મહિલાને જ દોષી ઠેરવે છે, ત્યારે મેડેલીને એક નવો માર્ગ અપનાવ્યો. તેમણે 'ઇમેજ એન્જલ' (Image Angel) નામની એક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી, જે મહિલાઓની અંગત તસવીરોનો દુરુપયોગ કરતા લોકોનું પગેરું શોધવા માટે અદૃશ્ય ફૉરેન્સિક વોટરમાર્કિંગનો ઉપયોગ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ 'અદૃશ્ય' સુરક્ષા?
જ્યારે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા, ડેટિંગ એપ્સ કે વેબસાઇટ પર આ ટેકનોલોજીથી સુરક્ષિત ઈમેજને જુએ છે, ત્યારે તે ઈમેજમાં જોવા મળેલી માહિતી સાથે એક અદૃશ્ય વોટરમાર્ક આપોઆપ જોડાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ તમારી સંમતિ વિના એ ફોટોગ્રાફનો સ્ક્રીનશોટ લે અથવા ક્યાંય શેર કરે, તો ડેટા રિકવરી સ્પેશિયાલિસ્ટ એ વોટરમાર્ક દ્વારા ચોક્કસપણે શોધી શકે છે કે આ તસવીર કોણે અને કયા પ્લેટફોર્મ પરથી લીક કરી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી હોલીવુડની ફિલ્મો અને સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગની સુરક્ષા માટે થતો હતો.
"પીડિતાનો વાંક નથી, ગુનેગારની માનસિકતા ખોટી છે"
મેડેલીનનું કહેવું છે કે, "મેં ઉત્તેજક ફોટોગ્રાફ્સ પાડ્યા હોવાથી હું શરમાતી નથી, પણ જેણે મારો ભરોસો તોડીને તેને લીક કર્યા તેને શરમ આવવી જોઈએ." યુકેમાં દર વર્ષે આશરે 1.42 ટકા મહિલાઓ રિવેન્જ પોર્નનો શિકાર બને છે. મોટે ભાગે સમાજ એવું પૂછે છે કે 'તમે આવા ફોટો ક્લિક જ કેમ કર્યા?', પરંતુ મેડેલીન આ માનસિકતા બદલવા માંગે છે. તેમની આ ટેકનોલોજીને કારણે જ તેમને 'ઇનોવેશન ઇન ટેક સેફ્ટી' જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ મળ્યા છે.
બહુપાંખિયો લડતની જરૂરિયાત
માત્ર ટેકનોલોજી જ નહીં, પણ સામાજિક કલંકને દૂર કરવા માટે પણ લડત જરૂરી છે. ટીવી પ્રેઝન્ટર જેસ ડેવિસ પણ આવી જ ઘટનાનો ભોગ બન્યા હતા. તેમનું માનવું છે કે સંમતિથી ફોટો મોકલવા એ ગુનો નથી, પરંતુ સંમતિ વિના તેનું વિતરણ કરવું એ ફોજદારી ગુનો છે, જેમાં બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મેડેલીનની આ પહેલ ભવિષ્યમાં ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મહિલાઓ માટે વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં એક મોટું ડગલું માનવામાં આવે છે.

(9:16 PM IST)