<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ભારત અને અમેરિકામાં ગૂગલ અને યુટ્યુબની સેવાઓ ખોરવાઈ : હજારો યુઝર્સ પરેશાન : સર્વર ડાઉન થતા વીડિયો લોડિંગમાં ભારે મુશ્કેલી

ડાઉનડિટેક્ટર પર ૧૧,૦૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ : યુટ્યુબ ઉપરાંત ગૂગલ સર્ચ અને યુટ્યુબ ટીવીમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ : ભારત-અમેરિકામાં સૌથી વધુ અસર : હજુ સુધી ગૂગલ દ્વારા કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ કરાયું નથી

નવી દિલ્હી : વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ અને લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબની સેવાઓ આજે ભારત અને અમેરિકા સહિત વિશ્વના અનેક ભાગોમાં અચાનક ખોરવાઈ ગઈ હતી. આ વ્યાપક આઉટેજને કારણે હજારો યુઝર્સને ગૂગલ સર્ચ કરવામાં અને યુટ્યુબ પર વીડિયો જોવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ડાઉનડિટેક્ટરનો ચોંકાવનારો રિપોર્ટ:
આઉટેજ ટ્રેકિંગ પ્લેટફોર્મ 'ડાઉનડિટેક્ટર' (Downdetector) મુજબ, થોડા જ કલાકોમાં ફરિયાદોનો આંકડો ૩,૫૦૦ થી વધીને ૧૧,૦૦૦ ને પાર કરી ગયો હતો. રિપોર્ટ અનુસાર, અંદાજે ૭૩ ટકા યુઝર્સે વેબસાઈટ સંબંધિત, ૧૮ ટકાએ વીડિયો સ્ટ્રીમિંગ અને ૯ ટકા યુઝર્સે એપમાં સમસ્યા હોવાનું જણાવ્યું હતું. યુઝર્સની મુખ્ય ફરિયાદ એવી હતી કે યુટ્યુબ વીડિયો લોડ થવામાં ઘણો સમય લઈ રહ્યા હતા અથવા બફરિંગ બાદ કનેક્શન ફેલ થઈ રહ્યું હતું.
ભારત અને અમેરિકામાં ગંભીર અસર:
ભારતમાં ડાઉનડિટેક્ટર પર ૩,૩૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી ૫૩ ટકા સર્વર કનેક્શન અને ૩૪ ટકા વેબસાઈટ લોડ ન થવાની હતી. બીજી તરફ, અમેરિકામાં યુટ્યુબ ટીવીના યુઝર્સે પણ લાઈવ સ્ટ્રીમ ન ચાલવાની વ્યાપક ફરિયાદો કરી હતી. ગૂગલ સર્ચમાં પણ પરિણામો અત્યંત ધીમા મળતા હોવાથી યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ગૂગલનું મૌન અને યુઝર્સની અકળામણ:
આ આઉટેજ માત્ર એક પ્રોડક્ટ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ ગૂગલની અનેક સેવાઓ એકસાથે પ્રભાવિત થઈ હતી. આટલી મોટી ટેકનિકલ ખામી હોવા છતાં, ગૂગલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સેવાઓ ક્યારે સંપૂર્ણપણે પૂર્વવત થશે અથવા આ સમસ્યા પાછળનું ટેકનિકલ કારણ શું છે, તે અંગેની સ્પષ્ટતા ન મળતા યુઝર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

(11:02 PM IST)