POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
ભારતનું વધતું વૈશ્વિક કદ: "અમેરિકા, રશિયા અને ચીન જેવું જ શક્તિશાળી કેન્દ્ર છે ભારત": બેલારુસના રાષ્ટ્રપતિએ પ્રશંસાના પુલ બાંધ્યા
પીએમ મોદીના નેતૃત્વમાં ભારત બન્યું વિશ્વનું નવું આકર્ષણ કેન્દ્ર: ટ્રમ્પની ટેરિફ વોર અને ટીકાઓ વચ્ચે લુકાશેન્કોએ ભારતની આર્થિક તાકાતનો સ્વીકાર કરી પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો

નવી દિલ્હી : વૈશ્વિક રાજનીતિના મંચ પર ભારતની ધાક હવે રશિયા અને ચીન જેવા સુપરપાવર દેશોની હરોળમાં ગણાવવા લાગી છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ ભારતને વિશ્વનું નવું અને ઉભરતું 'વૈશ્વિક શક્તિ કેન્દ્ર' જાહેર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લુકાશેન્કોએ મિન્સ્કમાં એક મહત્વપૂર્ણ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિશ્વમાં અમેરિકા, રશિયા અને ચીન જ મુખ્ય શક્તિઓ ગણાતી હતી, પરંતુ હવે ભારત એક એવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે યુરોપિયન યુનિયન કરતા પણ વધુ સ્થિર અને મજબૂત છે. પીએમ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત જે રીતે આગળ વધી રહ્યું છે, તેનાથી વિશ્વના સત્તાકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.
લુકાશેન્કોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવ ચરમસીમાએ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી તેને 'ડેડ ઇકોનોમી' (મૃત અર્થતંત્ર) ગણાવ્યું હતું, પરંતુ લુકાશેન્કોએ ભારતની પ્રશંસા કરીને અમેરિકાને આડકતરી રીતે જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.6% કર્યો છે, જ્યારે અનેક નિષ્ણાતો તેને 7% થી વધુ જોઈ રહ્યા છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
ભારતની આ સફળતા પાછળ 'મેક ઇન ઇન્ડિયા', ડિજિટલ ઇનોવેશન અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા જેવા પરિબળો જવાબદાર છે. બેંગલુરુથી લઈને નવી દિલ્હી સુધીના હજારો સ્ટાર્ટઅપ્સ અને AI તેમજ ફિનટેક ક્ષેત્રે યુવા ઈજનેરોની મહેનતને કારણે વૈશ્વિક રોકાણકારો ભારત તરફ ખેંચાઈ રહ્યા છે. ભારત માત્ર આર્થિક રીતે જ નહીં, પણ 'ગ્લોબલ સાઉથ' ના અવાજ તરીકે ભૂ-રાજકીય રીતે પણ તટસ્થ અને મજબૂત વલણ ધરાવે છે. લુકાશેન્કોના મતે, આગામી વર્ષોમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તે હવે માત્ર સમયની જ વાત છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા પર મહોર મારે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
