<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો પલટવાર: સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી : નવી ચાર્જશીટની તૈયારી

ટ્રાયલ કોર્ટે 'ગેરકાયદે' ગણાવેલી ચાર્જશીટ મુદ્દે તપાસ એજન્સીની આક્રમક અપીલ: એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડોની સંપત્તિ અને મની લોન્ડરિંગના આરોપોમાં કોંગ્રેસના મોભીઓની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ફરી એકવાર રાજકીય ગરમાવો તેજ થયો છે.ઇડીએ દિલ્હી ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના આરોપીઓ વિરુદ્ધની ફરિયાદને ધ્યાને લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે અગાઉ EDની ચાર્જશીટને એ આધારે ફગાવી દીધી હતી કે તે પૂર્વનિર્ધારિત ગુના  માટેની કોઈ સત્તાવાર FIR પર નહીં, પરંતુ માત્ર ખાનગી ફરિયાદ પર આધારિત છે. હવે EDએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને દલીલ કરી છે કે ટ્રાયલ કોર્ટનો આ તારણ ભૂલભરેલો છે અને આ કેસની તપાસ આગળ ધપાવવી અનિવાર્ય છે.

આ કાયદાકીય જંગ પાછળ કરોડો રૂપિયાની સંપત્તિના કથિત દુરુપયોગનો મામલો છે. EDના મતે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની મિલકતોને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હસ્તગત કરવામાં અનિયમિતતા આચરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે ગત ૧૬ ડિસેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે PMLA (મની લોન્ડરિંગ નિરોધક કાયદો) હેઠળ તપાસ માટે FIR ફરજિયાત છે. જોકે, ED હવે દિલ્હી પોલીસ દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલી નવી FIRને પાયો બનાવીને નવી ચાર્જશીટ દાખલ કરવાની રણનીતિ ઘડી રહી છે, જે ગાંધી પરિવાર માટે નવી મુસીબતો નોતરી શકે છે.

બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયાને 'રાજકીય બદલો' ગણાવીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, EDનું માનવું છે કે આ એક ગંભીર આર્થિક ગુનો છે અને પુરાવાઓના આધારે કાર્યવાહી થઈ રહી છે. હવે જ્યારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે આગામી દિવસોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. હાઈકોર્ટનો આદેશ નક્કી કરશે કે આ દાયકાઓ જૂનો કેસ નવો વળાંક લેશે કે પછી રાહત મળશે.

(11:09 PM IST)