News of Saturday, 20th December 2025
કાળજાના કટકા જેવી દીકરીએ ભાગીને લવ મેરેજ કર્યાઃ પરિવારે જીવતી દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા
ભણાવી, ગણાવી, લાડકોડથી મોટી કરી અને તેણે માતા-પિતા અને પરિવારના અરમાનો પર પાણી ફેરવી દીધું: ભાઇ

વિદિશા તા.૨૦: મધ્ય પ્રદેશના વિદિશામાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. એક પરિવારે પોતાની જીવિત દીકરીને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી દીધા છે. આ મામલો કોતવાલી વિસ્તારના ચૂનાવાળી ગલીનો છે. અહીં ૨૩ વર્ષિય સવિતા કુશવાહે બરઈપુરાના રહેવાસી સંજૂ રજક સાથે લવ મેરેજ કર્યા તો પરિવારના લોકોને આ ગમ્યું નહીં. હકીકતમાં યુવતીનો ભાઈ સૌરભ કુશવાહ અને સંજૂ રજક બંને મિત્રો હતા. ૧૧ ડિસેમ્બરના રોજ સંજૂ સૌરભની બહેન સવિતાને ભગાડીને લઈ ગયો. જેની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ૧૩ ડિસેમ્બરના રોજ કરી. સવિતા ૧૮ ડિસેમ્બરના રોજ હાજર થઈ અને પોલીસને જણાવ્યું કે, તે પોતાની મરજીથી ગઈ હતી. તેણે સંજૂ રજક સાથે ભોપાલ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા છે.
પરિવારે સવિતાને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, તેને સમાજ અને સંબંધોનો ડર બતાવ્યો પણ તે માની નહીં. જે બાદ પરિવારે તેને મૃત માની તેને અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો. પરિવારે માતમ મનાવ્યો. સવિતાના પૂતળાને અર્થી પર લગાવી અંતિમ સંસ્કાર કર્યા. ઘરથી લઈને સ્મશાન ઘાટ સુધી અંતિમ યાત્રા કાઢી. સ્મશાન ઘાટમાં વિધિવિધાન સાથે સંસ્કાર કર્યા. સવિતાના ભાઈ રાજેશ કુશવાહે મુખાગ્નિ આપી. પરિવારનું કહેવું છે કે હવે તેઓ જીવિત દીકરીનું બારમું કરી ગંગા નદીમાં પિડદાન કરશે.
છોકરીના ભાઈ રાજેશ કુશવાહે કહ્યું કે તેની બહેન ૨૩ વર્ષની છે. તેને ભણાવી, ગણાવી, લાડકોડથી મોટી કરી અને તેણે માતા-પિતા અને પરિવારના અરમાનો પર પાણી ફેરવી દીધું. છોકરો સારો નથી, તે નશાનો આદી છે. બહેનને બહુ સમજાવી, પોલીસ સ્ટેશનમાં માતા-પિતાએ ચાર કલાક સુધી સમજાવી. મા તો તેના પગમાં પડી, તેમ છતાં માની નહીં. હવે અમે તેના અંતિમ સંસ્કાર કરી દીધા છે. હવે અમારે તેની સાથે કોઈ સંબંધ નથી. ક્યારેય પાછી આવવા માગશે તો પણ અમે સ્વીકાર કરીશું નહીં.
એડિશનલ એસપી પ્રશાંત ચૌબેએ કહ્યું કે આ મામલામાં છોકરી ગુમ થવાની ફરિયાદ નોંધી હતી. યુવતી પુખ્તવયની છે. તેનું નિવેદન લઈ લીધું છે. જે બાદ જરૂરી કાર્યવાહી થઈ રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
