<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

તાઈવાનમાં લોહિયાળ શુક્રવારઃ તાઈપેઈમાં સ્‍મોક બોમ્‍બ ફેંક્‍યા બાદ સનકી યુવકનો લોકો પર છરા વડે અંધાધૂંધ હુમલો, ૩ નિર્દોષોના મોત અને ૯ ઘાયલ

પોલીસે ઘેરી લેતા હુમલાખોરે બહુમાળી ઈમારત પરથી કૂદીને આત્‍મહત્‍યા કરી લીધીઃ ઘટના બાદ તાઈવાનમાં હાઈએલર્ટ જાહેરઃ હુમલા બાદ તાઈપેઈના નાગરિકોમાં ભયનો માહોલ

નવી દિલ્‍હીઃ તાઈવાનની રાજધાની તાઈપેઈ ગઈ સાંજે હચમચી ઉઠી હતી. શહેરના સૌથી વ્‍યસ્‍ત ગણાતા મેટ્રો સ્‍ટેશન વિસ્‍તારમાં એક સનકી યુવકે પહેલા સ્‍મોક બોમ્‍બ ફેંક્‍યા હતા અને ત્‍યારબાદ નાસભાગ મચી જતા લોકો પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ભયાનક ઘટનામાં ૩ લોકોના કરૂણ મોત નિપજ્‍યા છે જ્‍યારે અન્‍ય ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

 પોલીસે ઘેરી લેતા હુમલાખોરે બહુમાળી ઈમારત પરથી કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટના બાદ તાઈવાનમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે.

 શુક્રવારની સાંજે તાઈપેઈના મુખ્‍ય મેટ્રો સ્‍ટેશન પર મુસાફરોની ભારે ભીડ હતી ત્‍યારે અચાનક ૨૭ વર્ષીય હુમલાખોર ચાંગ વેને ત્‍યાં સ્‍મોક બોમ્‍બ અને પેટ્રોલ બોમ્‍બ જેવો જ્‍વલનશીલ પદાર્થ ફેંક્‍યો હતો. આ વિસ્‍ફોટ અને ધુમાડાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.

 આ મેટ્રો સ્‍ટેશન એક વિશાળ અંડરગ્રાઉન્‍ડ શોપિગ મોલ સાથે જોડાયેલું હોવાથી ત્‍યાં મોટી સંખ્‍યામાં લોકો હાજર હતા. ધુમાડાના ગોટેગોટા વચ્‍ચે લોકો જીવ બચાવવા ભાગી રહ્યા હતા ત્‍યારે હુમલાખોરે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ છરા વડે જે પણ સામે આવ્‍યું તેના પર વાર કરવાનું શરૂ કરી દીધું હતું.

આ નરાધમ મેટ્રો સ્‍ટેશનથી બહાર નીકળીને પગપાળા જ ઝોંગશાન સ્‍ટેશન તરફ આગળ વધ્‍યો હતો અને રસ્‍તામાં પણ લોકોને નિશાન બનાવતો રહ્યો હતો.

 પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા મુજબ દ્રશ્‍ય અત્‍યંત ભયાવહ હતું અને લોકો લોહીલુહાણ હાલતમાં રસ્‍તા પર પડ્‍યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો અને હુમલાખોરને ઘેરી લીધો હતો. પોલીસ પકડથી બચવા માટે આરોપી એક નજીકની બહુમાળી ઈમારત પર ચઢી ગયો હતો અને ત્‍યાંથી નીચે કૂદી ગયો હતો. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો, જ્‍યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 તાઈવાનના વડાપ્રધાન ચો જંગ-તાઈએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્‍યું હતું કે હુમલાખોરનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્‍યું છે. પોલીસ તેની અગાઉની ગતિવિધિઓ પર પણ તપાસ કરી રહી હતી. આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો પ્રત્‍યે સરકારે સંવેદના વ્‍યક્‍ત કરી છે.

 ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં લઈને તાઈવાનના રાષ્ટ્રપતિ વિલિયમ લાઈએ તાત્‍કાલિક ધોરણે દેશભરના મેટ્રો સ્‍ટેશનો, રેલવે સ્‍ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વ્‍યવસ્‍થા કડક કરવાના આદેશ આપ્‍યા છે. રાષ્ટ્રપતિએ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા અને ભવિષ્‍યમાં આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે.

 હાલમાં પોલીસ એ તપાસી રહી છે કે આરોપીનો મુખ્‍ય ઈરાદો શું હતો અને આ કાવતરામાં તેની સાથે અન્‍ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. આ હુમલા બાદ તાઈપેઈના નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(1:31 PM IST)