<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

શું બાંગ્‍લાદેશમાં આજે સતા પલટો થશે? યુનુસ સરકાર સંકટમાં!

હાદીના અંતિમ સંસ્‍કારની આડમાં ઢાકાને બાનમાં લેવાની અને ક્રાંતિકારી સરકાર બનાવવાની ગુપ્ત યોજનાનો પર્દાફાશઃ હાઈએલર્ટ જાહેર

ઢાકા, તા.૨૦: બાંગ્‍લાદેશમાં ફરી એકવાર લોહિયાળ ક્રાંતિ અને સત્તાપલટાના ભણકારા વાગી રહ્યા છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્‍માન હાદીની હત્‍યા બાદ ફાટી નીકળેલી હિંસાએ મોહમ્‍મદ યુનુસની વચગાળાની સરકાર માટે અસ્‍તિત્‍વનું સંકટ ઊભું કર્યું છે. ગુપ્તચર અહેવાલો મુજબ, હાદીના અંતિમ સંસ્‍કારને બહાનું બનાવીને એક શક્‍તિશાળી જૂથ દ્વારા દેશમાં બળવો કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્‍યું છે. આ જૂથનો ઉદ્દેશ્‍ય ઢાકામાં લાખોની ભીડ એકઠી કરી અરાજકતા ફેલાવવાનો અને વર્તમાન વ્‍યવસ્‍થાને ઉથલાવીને પોતાની કથિત ક્રાંતિકારી સરકાર સ્‍થાપવાનો છે, જેણે સમગ્ર દક્ષિણ એશિયાના રાજકારણમાં ચિંતા જન્‍માવી છે.

શનિવારે યોજાનારા હાદીના અંતિમ સંસ્‍કાર પૂર્વે બાંગ્‍લાદેશ ઇન્‍ટેલિજન્‍સે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે આ યોજનામાં માત્ર આંતરિક જૂથો જ નહીં, પરંતુ વિદેશી દૂતાવાસો પર હુમલા કરીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે દેશને બદનામ કરવાની વ્‍યૂહરચના પણ સામેલ છે. ખાસ કરીને ડિસએપિયરન્‍સ કમિશન દ્વારા લશ્‍કરી અધિકારીઓના નામ જાહેર કરીને સેનામાં ભાગલા પાડવાનો પ્રયાસ પણ આ કાવતરાનો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ સંજોગોમાં ઢાકાના રાષ્‍ટ્રીય સંસદ ભવન વિસ્‍તારમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે અને ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ લાદી દેવામાં આવ્‍યો છે.

હાદીના મળત્‍યુના સમાચાર વહેતા થતા જ પ્રદર્શનકારીઓએ આક્રમક વલણ અપનાવ્‍યું છે અને દેશના અગ્રણી અખબારો ડેઇલી સ્‍ટાર અને પ્રથમ આલોની ઓફિસોમાં તોડફોડ કરી છે. હિંસાનું આ વરવું સ્‍વરૂપ દર્શાવે છે કે સ્‍થિતિ કાબૂ બહાર જઈ રહી છે. હાદીને બાંગ્‍લાદેશના રાષ્‍ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્‍લામની સમાધિ પાસે દફનાવવાનો નિર્ણય ભાવનાત્‍મક રીતે લોકોને જોડવા માટે લેવામાં આવ્‍યો હોય તેમ જણાય છે, પરંતુ સરકારને ડર છે કે આ ભાવનાત્‍મક ઉછાળો હિંસક વિરોધમાં ફેરવાઈ શકે છે, જે સીધો સત્તા પલટા તરફ દોરી જશે.

હાલમાં મોહમ્‍મદ યુનુસ સામે મોટો પડકાર એ છે કે તેઓ કેવી રીતે આ અસંતોષને શાંત કરે અને કાવતરાખોરોને પકડે. રિપોર્ટમાં ખાંડકર રકીબ નામના વ્‍યક્‍તિની શંકાસ્‍પદ ભૂમિકા પણ સામે આવી છે, જે કમિશનના સભ્‍ય ન હોવા છતાં ખાનગી વીડિયો રેર્કોડિંગ કરી રહ્યો હતો. આ તમામ ઘટનાક્રમ સૂચવે છે કે બાંગ્‍લાદેશનું રાજકારણ અત્‍યારે અત્‍યંત નાજુક તબક્કે છે અને આગામી ૨૪ થી ૪૮ કલાક દેશનું ભવિષ્‍ય નક્કી કરશે કે યુનુસ સત્તા પર ટકી રહેશે કે ફરી એકવાર બાંગ્‍લાદેશ લશ્‍કરી અથવા ક્રાંતિકારી શાસન તરફ ધકેલાશે.

(3:35 PM IST)