<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અંતરિક્ષમાં ભારતનો 'બાહુબલી' ફુંકશે શંખનાદ: 640 ટનનું ISROનું સૌથી શક્તિશાળી રોકેટ અમેરિકાના વિશાળ સેટેલાઈટને લઈને ભરી દેશે ઉડાન!

લોન્ચ થયા પછીની એ 'ગોલ્ડન 974 સેકન્ડ' નક્કી કરશે મિશનની સફળતા; મોબાઈલ નેટવર્કની દુનિયા બદલવા જઈ રહ્યું છે ભારતનું આ ઐતિહાસિક મિશન.

શ્રીહરિકોટા : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ફરી એકવાર આખી દુનિયાને અચંબિત કરવા માટે તૈયાર છે. આગામી ૨૪ ડિસેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ભારતનું સૌથી કદાવર અને શક્તિશાળી રોકેટ LVM3, જેને દુનિયા 'બાહુબલી' તરીકે ઓળખે છે, તે એક મિશન પર રવાના થશે જે ભારતને ગ્લોબલ સ્પેસ માર્કેટનો બેતાજ બાદશાહ બનાવી શકે છે. આ વખતે આ બાહુબલી કોઈ નાનો-મોટો નહીં, પણ 6100 કિલોગ્રામ વજનનો અમેરિકન ઉપગ્રહ 'બ્લુ બર્ડ બ્લોક-2' પોતાની પીઠ પર લાદીને અવકાશની સફરે જશે.
કેવી રીતે કામ કરે છે આ 'બાહુબલી' રોકેટ?
૧૪ માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવતું આ ૪૩.૫ મીટરનું રોકેટ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે. તેની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેનું વજન ૬૪૦ ટન છે, જે સેંકડો હાથીઓના વજન બરાબર છે. આ રોકેટ ત્રણ તબક્કામાં કામ કરે છે. શરૂઆતમાં બે વિશાળ S200 સોલિડ બૂસ્ટર્સ તેને જમીન પરથી ધકેલે છે, ત્યારબાદ લિક્વિડ એન્જિન અને અંતે ભારતનું ગૌરવ એવું 'ક્રાયોજેનિક સ્ટેજ' તેને અંતરિક્ષના ઊંડાણમાં લઈ જાય છે.
૯૭૪ સેકન્ડનો શ્વાસ અધ્ધર કરી દેતો રોમાંચ
આ મિશનની સૌથી મોટી કસોટી લોન્ચિંગ પછીની ૯૭૪ સેકન્ડ એટલે કે આશરે ૧૬ મિનિટમાં છે. રોકેટ હવામાં ફંગોળાયા પછી દરેક સેકન્ડ ગણતરીની હોય છે. બૂસ્ટર્સનું અલગ થવું, લિક્વિડ સ્ટેજનું પ્રજ્વલન અને છેલ્લે ૫૨૦ કિલોમીટરની ઊંચાઈએ પલક ઝપકાવતા જ સેટેલાઈટને તેની ભ્રમણકક્ષામાં તરતો મૂકવો - આ બધું જ એક જટિલ ગણિત અને અત્યંત ચોકસાઈ પર ટકેલું છે. જો આ સમયગાળો સફળ રહ્યો, તો ભારત ફરી એકવાર ઇતિહાસના સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખાવશે.
અમેરિકાએ નાસાને છોડીને કેમ ઇસરોને પસંદ કર્યું?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકન કંપનીએ પોતાની સ્પેસ એજન્સી NASA કે એલોન મસ્ક જેવા દિગ્ગજોને છોડીને ઇસરો પર કેમ ભરોસો મૂક્યો? જવાબ છે - વિશ્વાસ અને કરકસર. ઇસરોના LVM3 રોકેટનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ ૧૦૦% સફળ રહ્યો છે. વળી, જે 'બ્લુ બર્ડ' સેટેલાઈટ આ રોકેટ લઈ જઈ રહ્યું છે, તે ભવિષ્યમાં આપણા સ્માર્ટફોનને સીધું સેટેલાઈટ સાથે જોડી દેશે, જેનાથી ટાવર વિના પણ 5G નેટવર્ક મળશે. આવા કિંમતી મિશન માટે દુનિયાને ભારતના 'બાહુબલી' પર સૌથી વધુ વિશ્વાસ છે.

(6:18 PM IST)