<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

અમેરિકાની આઈવી લીગ યુનિવર્સિટીમાં લોહિયાળ ખેલ: બ્રાઉન યુનિવર્સિટીના શૂટરનો ૨૫ વર્ષ જૂનો 'નિષ્ફળ ભૂતકાળ' આવ્યો સામે, MIT ના પ્રોફેસરની હત્યા સાથે પણ કનેક્શન!

એક સમયે તે પોતે જ આ યુનિવર્સિટીનો તેજસ્વી વિદ્યાર્થી હતો; જે વર્ગખંડોમાં ભણ્યો ત્યાં જ ગોળીઓ ચલાવી બે માસૂમ જીવ લીધા, જાણો સાયકો શૂટર ક્લાઉડિયો વેલેન્ટેની ભયાનક કહાની

પ્રોવિડેન્સ (રોડ આઇલેન્ડ) : અમેરિકાની વિશ્વ વિખ્યાત બ્રાઉન યુનિવર્સિટી (Brown University) અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ના શૈક્ષણિક વર્તુળો અત્યારે ફફડાટ અને આઘાત અનુભવી રહ્યા છે. ૨૫ વર્ષ પહેલાં જે વ્યક્તિ ભૌતિકશાસ્ત્રનો એક તેજસ્વી ડોક્ટરલ વિદ્યાર્થી હતો, તે જ ક્લાઉડિયો વેલેન્ટેએ પોતાની જૂની યુનિવર્સિટીમાં પાછા ફરીને બે વિદ્યાર્થીઓની કરપીણ હત્યા કરી અને અનેકને ઘાયલ કર્યા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ લોહિયાળ ખેલ પાછળ વેલેન્ટેનો ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓનો વર્ષો જૂનો કચવાટ જવાબદાર હોઈ શકે છે.
ભણવા માટે જે રસ્તો પકડ્યો હતો, ત્યાં જ લોહી વહેવડાવ્યું
૪૮ વર્ષીય પોર્ટુગીઝ નાગરિક ક્લાઉડિયો વેલેન્ટે વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૧ દરમિયાન બ્રાઉન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પીએચડી (PhD) પ્રોગ્રામમાં જોડાયો હતો. જોકે, તે અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહોતો અને ૨૦૦૩ માં તેણે યુનિવર્સિટી છોડી દીધી હતી. તપાસનીશ અધિકારીઓ માને છે કે વેલેન્ટેએ જે 'બારુસ અને હોલી' બિલ્ડિંગમાં હુમલો કર્યો, ત્યાં જ તે ૨૦ વર્ષ પહેલાં ક્લાસરૂમ અને લેબોરેટરીમાં કલાકો વિતાવતો હતો. તેના જૂના સહાધ્યાયીઓ તેને એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખતા હતા, પરંતુ વર્ષો પછી તે એક 'સાયકો કિલર' તરીકે પાછો ફરશે તેવી કલ્પના પણ કોઈએ કરી નહોતી.
MIT ના પ્રોફેસરની હત્યા પાછળનું ભેદી રહસ્ય
આ ક્રૂરતાનો સિલસિલો માત્ર બ્રાઉન યુનિવર્સિટી પૂરતો મર્યાદિત નહોતો. બ્રાઉન યુનિવર્સિટી પર ગોળીબાર કરતા બે દિવસ પહેલા જ MIT ના વિખ્યાત ભૌતિકશાસ્ત્ર પ્રોફેસર નુનો લૌરેરોની તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે લૌરેરો અને વેલેન્ટે ૧૯૯૦ના દાયકામાં પોર્ટુગલની એક જ એલીટ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણતા હતા. લૌરેરો ભૌતિકશાસ્ત્રમાં સફળતાના શિખરે પહોંચ્યા અને હીરો બન્યા, જ્યારે વેલેન્ટે શૈક્ષણિક રીતે નિષ્ફળ રહ્યો. આ ઈર્ષ્યા કે જૂનો કચવાટ જ પ્રોફેસરની હત્યાનું કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.
શૂટરનો કરુણ અંતીમ અંજામ
બ્રાઉન યુનિવર્સિટીમાં આતંક મચાવ્યા બાદ વેલેન્ટે ભાગી છૂટ્યો હતો. એફબીઆઈ (FBI) અને સ્થાનિક પોલીસે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે તે ન્યૂ હેમ્પશાયરના એક સ્ટોરેજ લોકરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોતાની જાતે જ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ પાસેથી બે 9mm પિસ્તોલ મળી આવી છે, જેનો ઉપયોગ બંને હત્યાકાંડમાં થયો હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું છે. એક સમયે ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર તેજસ્વી યુવાનનો આ પ્રકારે ગુનાહિત અને લોહિયાળ અંત આવતા સમગ્ર વિશ્વના શિક્ષણવિદોમાં ચર્ચા જગાવી છે.

(6:22 PM IST)