<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મનરેગા પર મહાસંગ્રામ: કેન્દ્રએ ગરીબોની જીવાદોરી પર બુલડોઝર ફેરવ્યું : સોનિયા ગાંધીના આકરા પ્રહારો

યુપીએ સરકારના ઐતિહાસિક કાયદાના માળખામાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષે મોદી સરકારને ઘેરી : ગ્રામીણ ગરીબોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડત આપવાની સોનિયા ગાંધીની હુંકાર

નવી દિલ્હી: દેશના ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન 'મનરેગા' યોજનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે યોજનાએ દાયકાઓ સુધી ગરીબ પરિવારોને રોજગારની ગેરંટી આપી અને ગ્રામીણ ક્ષેત્રોમાં સ્થળાંતર અટકાવ્યું, તેને વર્તમાન સરકારે 'બુલડોઝર' ની જેમ કચડી નાખી છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 11 વર્ષોમાં મનરેગાને સતત નબળું પાડવાના પ્રયાસો થયા છે અને હવે તેના મૂળભૂત માળખાને કોઈપણ પરામર્શ વિના બદલીને વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સરકારના સમયને યાદ કરતા કહ્યું કે, 20 વર્ષ પહેલા આ કાયદો સંસદમાં સર્વાનુમતે પસાર થયો હતો, જેનો ઉદ્દેશ્ય મહાત્મા ગાંધીના 'ગ્રામ સ્વરાજ'ના સ્વપ્નને સાકાર કરવાનો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોવિડના કપરા સમયમાં આ યોજના કરોડો લોકો માટે જીવનરેખા સાબિત થઈ હતી. જોકે, હવે દિલ્હીમાં બેસીને જમીની વાસ્તવિકતાથી અજાણ લોકો રોજગારના નિર્ણયો લેશે, જે પંચાયતી રાજની શક્તિઓને નબળી પાડવા સમાન છે. સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો કે આ માત્ર યોજનામાં ફેરફાર નથી, પરંતુ કરોડો ખેડૂતો અને ભૂમિહીન મજૂરોના અધિકારો પર સીધો હુમલો છે.

આ આક્રમક વલણ સાથે સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આ 'કાળા કાયદા' અને મનરેગાના નબળા પડી રહેલા અસ્તિત્વ સામે મજબૂત લડત આપશે. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, "મેં 20 વર્ષ પહેલા ગરીબોના અધિકારો માટે લડત આપી હતી અને આજે પણ હું એ જ પ્રતિબદ્ધતા સાથે મેદાનમાં છું." બીજી તરફ, ભાજપ દ્વારા વિપક્ષના આ હોબાળાને લોકશાહી પર 'કલંક' સમાન ગણાવવામાં આવ્યો છે, જેનાથી આગામી દિવસોમાં આ મુદ્દે સંસદથી લઈને રસ્તા સુધી મોટા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(6:25 PM IST)