News of Saturday, 20th December 2025
બલૂચિસ્તાન ધણધણી ઉઠ્યું: જાફર એક્સપ્રેસ સહિતની ટ્રેનો પર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા : રેલવે ટ્રેક ઉડાવ્યા
બળવાખોરોએ મુસાફરો ભરેલી ટ્રેનોને નિશાન બનાવી લોહીની હોળી રમવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો : મુશકાફ અને દશ્તમાં પાટા તોડી નાખતા રેલ સેવાઓ ઠપ : સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

કરાચી: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદીઓએ માથું ઊંચક્યું છે અને રેલવેના માળખાને નિશાન બનાવી મોટો હુમલો કર્યો છે. શંકાસ્પદ બળવાખોરોએ જાફર એક્સપ્રેસ અને બોલાન મેઈલ જેવી વ્યસ્ત પેસેન્જર ટ્રેનોને નિશાન બનાવીને મુશકાફ અને દશ્ત વિસ્તારોમાં શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ ધડાકા એટલા ભીષણ હતા કે રેલવે લાઇનનો લગભગ ત્રણ ફૂટ જેટલો હિસ્સો સંપૂર્ણપણે ઉડી ગયો હતો. સદનસીબે, આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ મુખ્ય રેલવે લાઇનને નુકસાન થવાને કારણે સમગ્ર પ્રાંતમાં ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.
ક્વેટાના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) શાહિદ નવાઝે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પેસેન્જર ટ્રેનોના સમયપત્રક રદ કરવામાં આવ્યા છે. હવે સુરક્ષા એજન્સીઓની ક્લિયરન્સ મળ્યા બાદ જ ટ્રેનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે સુરક્ષા પ્રોટોકોલ સાથે માત્ર એક સ્પેશિયલ જાફર એક્સપ્રેસને પેશાવર માટે રવાના કરવામાં આવી હતી, જ્યારે બાકીની સામાન્ય સેવાઓ સુરક્ષા મંજૂરીની રાહ જોઈ રહી છે.
બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર હુમલો થવો એ હવે એક ગંભીર પરંપરા બની ગઈ હોય તેવું લાગે છે, કારણ કે છેલ્લા બે મહિનામાં જ આ ટ્રેન પર ત્રીજી વખત હુમલો થયો છે. અગાઉ 11 માર્ચે થયેલા આતંકવાદી હુમલામાં મુસાફરોને બંધક બનાવવાની અને ગોળીબારની ઘટનામાં 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બળવાખોરો વારંવાર રેલવે નેટવર્કને નિશાન બનાવીને પાકિસ્તાન સરકાર અને સુરક્ષા દળો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ તાજેતરના વિસ્ફોટોએ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓના દાવાઓની પોલ ખોલી નાખી છે અને બતાવી દીધું છે કે બલૂચિસ્તાન હજુ પણ આતંકવાદની આગમાં સળગી રહ્યું છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
