<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર જોખમ: સંસદીય સમિતિના અહેવાલમાં ભયાનક ખુલાસો

ઓગસ્ટ ૨૦૨૪ પછી લઘુમતીઓ અને પૂજા સ્થાનો પર ૨,૪૦૦થી વધુ હુમલા : જેલમાંથી આતંકવાદીઓની મુક્તિએ ભારતની ચિંતામાં કર્યો વધારો : કેન્દ્ર સરકારને વ્યૂહાત્મક રાજદ્વારી દબાણ લાવવા સમિતિની કડક ભલામણ

નવી દિલ્હી: ભારતની વિદેશ બાબતોની સંસદીય સમિતિએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે એક અત્યંત ચિંતાજનક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં પાડોશી દેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ઓગસ્ટ ૨૦૨૪ની રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતના લઘુમતીઓ, તેમના પૂજા સ્થાનો અને સાંસ્કૃતિક સંસ્થાઓને સુનિયોજિત રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓએ માત્ર બાંગ્લાદેશના સામાજિક માળખાને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ ભારે તણાવ પેદા કર્યો છે. સમિતિએ નોંધ્યું છે કે આટલી મોટી સંખ્યામાં હુમલાઓ છતાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અહેવાલના આંકડાઓ હચમચાવી દે તેવા છે. ૧૮ મે, ૨૦૨૫ સુધીમાં લઘુમતીઓ પર હુમલાના કુલ ૨,૪૪૬ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેની સામે માત્ર ૮૮ કેસ નોંધાયા અને માંડ ૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમિતિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે બાંગ્લાદેશી અધિકારીઓ આ હિંસાને માત્ર "રાજકીય હત્યાઓ" ગણાવીને પલ્લું ઝાટકી રહ્યા છે. સમિતિએ ભારત સરકારને ભલામણ કરી છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓના રક્ષણને ભારતની વિદેશ નીતિ અને રાજદ્વારી વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર બનાવવું જોઈએ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે ઢાકા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવું જોઈએ.

સૌથી વધુ ચોંકાવનારી બાબત જેલમાંથી ખતરનાક આતંકવાદીઓની મુક્તિ છે. અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન થયેલી અશાંતિનો લાભ લઈને આતંકવાદ અને ઉગ્રવાદના ગંભીર આરોપીઓ જેલમાંથી ભાગી છૂટ્યા છે અથવા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. આતંકવાદીઓનું આ રીતે જેલની બહાર આવવું એ ભારતની આંતરિક સુરક્ષા માટે સીધો પડકાર છે. સમિતિએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ઉગ્રવાદી તત્વોની મુક્તિથી સરહદી વિસ્તારોમાં અસ્થિરતા વધી શકે છે, જેની સીધી અસર ભારતના વ્યૂહાત્મક હિતો પર પડશે.

(6:28 PM IST)