<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

આસામમાં પીએમ મોદીની સિંહગર્જના: "દેશદ્રોહીઓ ઘૂસણખોરોને બચાવે છે : વિકાસનો રથ હવે રોકાશે નહીં"

ગુવાહાટીમાં એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરતા વડાપ્રધાને કોંગ્રેસને આડેહાથ લીધી : SIR મુદ્દે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે દાયકાઓ સુધી પૂર્વોત્તરની અવગણના કરનારાઓ હવે રાષ્ટ્રવિરોધી તત્વોના રક્ષક બન્યા છે

ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામની ધરતી પરથી વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કરતા દેશની આંતરિક સુરક્ષા અને વિકાસના મુદ્દે મોટી જાહેરાતો કરી હતી. ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ એરપોર્ટના અત્યાધુનિક નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા બાદ એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જે પૂર્વોત્તર એક સમયે હિંસા અને રક્તપાત માટે જાણીતું હતું, તે આજે 5G ટેકનોલોજી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બની રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જેમ બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ અવિરત છે, તેમ ભાજપની ડબલ એન્જિન સરકાર હેઠળ વિકાસનો પ્રવાહ પણ અટકશે નહીં.

સૌથી વધુ વિસ્ફોટક પ્રહાર કરતા પીએમ મોદીએ 'સ્ટેટ ઇન્ફોર્મેશન રજિસ્ટર' અંગે વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ દ્વારા ઘૂસણખોરોને લોકશાહી પ્રક્રિયામાંથી બહાર રાખવા માટે જે કડક ડેટા સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, તેને નિષ્ફળ બનાવવા માટે કેટલાક 'દેશદ્રોહીઓ' એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મોદીએ ગર્જના કરી હતી કે વોટબેંકની રાજનીતિ કરનારા લોકો ઘૂસણખોરોને સુરક્ષિત કવચ પૂરું પાડી રહ્યા છે, પરંતુ વર્તમાન સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જૂની સરકારો માટે પૂર્વોત્તર ક્યારેય પ્રાથમિકતામાં નહોતું, પરંતુ આજે તે ભારતનું 'પૂર્વીય પ્રવેશદ્વાર' બની ગયું છે.

પીએમ મોદીએ પોતાની 'એક્ટ ઈસ્ટ' પોલિસીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આસામ હવે માત્ર ભારતનો એક છેવાડાનો પ્રદેશ નથી, પરંતુ આસિયાન (ASEAN) દેશો સાથે વેપાર અને સંપર્ક વધારવા માટેનો મુખ્ય સેતુ છે. અગાઉની સરકારોમાં 'પૂર્વોત્તરમાં કોણ જાય છે?' એવી માનસિકતા હતી, જેને બદલીને આજે અહીં હાઈવે, રેલવે અને એરપોર્ટનું જાળ બિછાવવામાં આવ્યું છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આધુનિક સુવિધાઓથી સજ્જ આસામ આગામી સમયમાં દક્ષિણ-પૂર્વ એશિયાનું આર્થિક કેન્દ્ર બનશે, જે દાયકાઓથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અવગણનાનો જડબાતોડ જવાબ હશે.

(7:57 PM IST)