News of Saturday, 20th December 2025
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટમાં ઓક્સિજન માસ્ક અચાનક નીચે પડતા 381 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો
જેદ્દાહથી લાહોર જતી ફ્લાઇટનું સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ : પાકિસ્તાની એરલાઇનની વારંવારની ટેકનિકલ ખામીઓએ સુરક્ષા સામે ખડા કર્યા ગંભીર સવાલો

દમ્મામ: સાઉદી અરેબિયાના આકાશમાં એક ભયાનક દ્રશ્ય સર્જાયું જ્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની ફ્લાઇટ PK-860 માં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં જ ઓક્સિજન માસ્ક નીચે પડી ગયા હતા. જેદ્દાહથી લાહોર જઈ રહેલા આ વિમાનમાં સવાર 381 મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. પ્લેનમાં સવાર મોટાભાગના ઉમરાહ યાત્રાળુઓ હતા, જેઓ અચાનક આવેલી આ આફતથી ધ્રૂજી ઉઠ્યા હતા. વિમાનની અંદર કેબિન પ્રેશર ઘટવાની ચેતવણી મળતા જ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા માસ્ક નીચે આવ્યા હતા, જેને જોઈ મુસાફરોને લાગ્યું કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાનું છે. પાઇલટે તાત્કાલિક નિર્ણય લઈ વિમાનને દમ્મામના કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાની એરલાઇન્સની જાળવણીની પોલ ખોલી નાખી છે. વિમાનમાં ઓક્સિજન માસ્ક પડવાની ઘટના પાછળ કેબિન પ્રેશરમાં થયેલો ઘટાડો જવાબદાર માનવામાં આવે છે, જે મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ શક્યો હોત. જોકે ક્રૂ મેમ્બર્સે ગભરાયેલા યાત્રાળુઓને સાંત્વના આપી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુસાફરોના ચહેરા પરનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એરપોર્ટ પર ઉતરાણ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ લાહોર જવાની ખુશી પળભરમાં ખૌફમાં બદલાઈ ગઈ હતી.
PIA માટે સુરક્ષામાં છીંડા પડવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. ગત મહિને જ લાહોરથી જેદ્દાહ જતી ફ્લાઇટની વિન્ડશિલ્ડ (કાચ) હવામાં જ ફાટી ગઈ હતી, જ્યારે માર્ચમાં એક વિમાનનું પૈડું હવામાં જ ગાયબ થઈ ગયું હતું જે આજદિન સુધી મળ્યું નથી. એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની આ રાષ્ટ્રીય એરલાઇન હાલમાં આર્થિક સંકટ અને નબળી ટેકનિકલ તપાસના દોરમાંથી પસાર થઈ રહી છે, જે મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ PIA ની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હો લાગી રહ્યા છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
