News of Saturday, 20th December 2025
આર્થિક રીતે ખસ્તાહાલ થયેલા પાકિસ્તાન માટે 'લાઈફલાઈન': વિશ્વ બેંકે 700 મિલિયન ડોલરની લોનને આપી લીલીઝંડી
દેવાના ડુંગર નીચે દબાયેલા દેશને બેઠો કરવા વર્લ્ડ બેંકની મોટી જાહેરાત : કર પ્રણાલીમાં સુધારો અને શિક્ષણ-આરોગ્યના પાયા મજબૂત કરવા અબજો રૂપિયાનું ફંડ ફાળવાશે, સિંધ અને ફેડરલ સરકારો વચ્ચે થશે રકમની વહેંચણી

ઇસ્લામાબાદ: ભયાનક મોંઘવારી અને ખાલી તિજોરી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે પાકિસ્તાનની આર્થિક સ્થિરતા અને પાયાની સેવાઓને સુધારવા માટે 700 મિલિયન ડોલર (આશરે 5,800 કરોડ રૂપિયાથી વધુ) ના ધિરાણને મંજૂરી આપી દીધી છે. આ લોન વિશ્વ બેંકના 'PRID-MPA' પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનના વેરવિખેર થઈ ગયેલા મેક્રોઇકોનોમિક માળખાને ફરીથી પાટા પર લાવવાનો છે. આ ભંડોળમાંથી 600 મિલિયન ડોલર કેન્દ્ર સરકારને અને 100 મિલિયન ડોલર સિંધ પ્રાંતના વિકાસ માટે ફાળવવામાં આવશે, જે પાકિસ્તાન માટે ડૂબતાને તણખલાના ટેકા સમાન સાબિત થઈ શકે છે.
વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર બોલોર્મા અમગાબજારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માત્ર રોકડ સહાય નથી, પરંતુ તે પાકિસ્તાનમાં પારદર્શક કર પ્રણાલી અને મજબૂત ડેટા સિસ્ટમ ઊભી કરવા માટેનું રોકાણ છે. ખાસ કરીને શાળાઓ અને ક્લિનિક્સ જેવી પાયાની જરૂરિયાતો માટે સતત ભંડોળ મળી રહે તેવું માળખું તૈયાર કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓના મતે પાકિસ્તાનનો આર્થિક પાયો અત્યંત નબળો છે અને ત્યાં રાજકીય હસ્તક્ષેપને કારણે બજેટનું આયોજન યોગ્ય રીતે થતું નથી. આ પ્રોગ્રામ દ્વારા રોકાણકારોનો વિશ્વાસ જીતવા અને સ્થાનિક આવકના સ્ત્રોત વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે રહેલી નબળી શાખમાં સુધારો થઈ શકે.
જોકે, આ મદદ આકરી શરતો સાથે આવી છે. અગાઉના અહેવાલો મુજબ પાકિસ્તાનનું અસંગઠિત ભંડોળ માળખું અને અપારદર્શક નીતિઓ દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. વિશ્વ બેંક હવે ઇસ્લામાબાદ અને સિંધ સરકારો સાથે સીધું કામ કરશે જેથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જવાબદાર ભંડોળનો ઉપયોગ થાય. ખાસ કરીને નવેમ્બરમાં આવેલા IMF-વર્લ્ડ બેંકના અહેવાલ બાદ પાકિસ્તાન પર નાણાકીય શિસ્ત જાળવવાનું ભારે દબાણ છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન આ 700 મિલિયન ડોલરનો ઉપયોગ પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે કરે છે કે પછી ફરી એકવાર રાજકીય ખેંચતાણમાં આ તક ગુમાવી દે છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
