News of Saturday, 20th December 2025
"હું તો માત્ર હનુમાન છું, અસલી શક્તિ તો પીએમ મોદીના નેતૃત્વમાં છે": એસ જયશંકરે પીએમ મોદીની કરી પ્રશંસા
પુણે પુસ્તક મેળામાં વિદેશ મંત્રીએ પોતાની નમ્રતાથી જીત્યા દિલ: પશ્ચિમી દેશોની વિચારધારાને ફટકાર લગાવી કહ્યું- "અમે અંગ્રેજોના લખેલા પુસ્તકો વાંચીને કંટાળ્યા છીએ : હવે દુનિયાએ ભારતની નજરે જોવું પડશે"

પુણે: મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં આયોજિત પુસ્તક મેળામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના અનોખા અંદાજમાં ભારતની વિદેશ નીતિ અને પીએમ મોદીના નેતૃત્વ પર વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દેશને એક જ જયશંકરની જરૂર છે, ત્યારે તેમણે હસીને જવાબ આપ્યો કે આ પ્રશ્ન જ ખોટો છે. તેમણે પોતાની સરખામણી ભગવાન હનુમાન સાથે કરતા કહ્યું કે, "હનુમાનજી માત્ર સેવા કરે છે, પરંતુ દ્રષ્ટિ અને સંકલ્પ તો ભગવાન રામનો હતો." જયશંકરે સ્પષ્ટ કર્યું કે આજના સમયમાં ભારતની જે ધાક વિશ્વમાં છે, તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને આત્મવિશ્વાસ છે. તેમના મતે, નેતા જ્યારે મજબૂત હોય ત્યારે જ અમલીકરણ કરનારાઓ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
વિશ્વ રાજકારણને 'ગઠબંધન રાજકારણ' સાથે સરખાવતા જયશંકરે કહ્યું કે આજે કોઈ પાસે પૂર્ણ બહુમતી નથી, તેથી જ દરેક મુદ્દા પર નવા સમીકરણો રચાય છે. તેમણે 'બ્રેઈન ડ્રેઈન' એટલે કે ભારતની પ્રતિભાના વિદેશ જવાને સમસ્યા માનવાનો ઇનકાર કરતા તેને એક 'તક' ગણાવી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે વિશ્વના શક્તિશાળી દેશો હવે ભારતીય કુશળતા માટે આતુર છે. 'બ્રાન્ડ ઈન્ડિયા' એટલું મજબૂત બન્યું છે કે યુરોપમાં સ્થળાંતરના વિવાદો વચ્ચે પણ ભારતીયોનું સન્માન જળવાયેલું છે. તેમણે યુવાનોને આહવાન કર્યું કે તેઓ સમગ્ર વિશ્વને પોતાનું કાર્યક્ષેત્ર માને.
પશ્ચિમી દેશોના વલણ પર આકરા પ્રહારો કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે દાયકાઓથી અંગ્રેજો દ્વારા લખાયેલા ઇતિહાસ અને પાઠ્યપુસ્તકો વાંચી રહ્યા છીએ, જે હવે બદલવાની જરૂર છે. "આપણને શીખવવામાં આવ્યું કે ભારત પાસે વ્યૂહરચનાની પરંપરા નથી, જે તદ્દન ખોટું છે," તેમ કહી તેમણે ભારતની સાંસ્કૃતિક વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે શ્રીલંકામાં ચક્રવાત હોય કે કોવિડ કાળમાં રસીની મદદ, દરેક વખતે ભારત 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે ઊભું રહ્યું હોવાનું ઉદાહરણ આપ્યું હતું. જયશંકરે અંતમાં ભારપૂર્વક કહ્યું કે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર કંબોડિયામાં હોવું એ સાબિતી છે કે આપણી સંસ્કૃતિ કેટલી વ્યાપક છે અને હવે આપણે આપણા જ શબ્દોમાં વિશ્વને ભારતનો પરિચય કરાવવો પડશે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
