<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

સુપ્રીમ કોર્ટનો કડક ચુકાદો: રાજસ્થાનની ૧૦ ડેન્ટલ કોલેજોને ૧૦-૧૦ કરોડનો દંડ ફટકાર્યો: આ ડેન્ટલ કોલેજોએ શિક્ષણને વેપાર બનાવી દીધો હોવાની સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી

કોલેજો પાસેથી વસૂલવામાં આવનાર કુલ ૧૦૦ કરોડ રૂપિયા 'રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી' માં જમા થશે. આ રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે અને તેના વ્યાજમાંથી રાજ્યના વૃદ્ધાશ્રમો, નારી નિકેતનો અને બાળકોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓનો ખર્ચ ઉપાડવામાં આવશે

નવીદિલ્હી : નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની મેડિકલ કોલેજો સામે લાલ આંખ કરી છે અને કરોડોનો દંડ ફટકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે શિક્ષણ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ સામે કડક વલણ અપનાવ્યું છે. એક મહત્વના ચુકાદામાં અદાલતે રાજસ્થાનની ૧૦ ડેન્ટલ કોલેજોને નિયમો તોડવા બદલ દોષિત ઠેરવી છે. 
સુપ્રીમ કોર્ટની લાલ આંખ: રાજસ્થાનની ૧૦ ડેન્ટલ કોલેજોએ શિક્ષણને વેપાર બનાવી દીધો હોવાની અદાલતની ટિપ્પણી, જાણો કયા નિયમો તોડ્યા હતા
સુપ્રીમ કોર્ટે મેડિકલ શિક્ષણમાં ચાલતી ગેરરીતિઓ સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. રાજસ્થાનની ૧૦ ખાનગી ડેન્ટલ કોલેજો પર ૧૦-૧૦ કરોડ રૂપિયા (કુલ ૧૦૦ કરોડ) નો દંડ ફટકારીને કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
કોલેજોએ કયા નિયમો તોડ્યા? (નિયમોના ઉલ્લંઘનની વિગતો):
આ કોલેજોએ માત્ર એક-બે નહીં પણ પાયાના અનેક નિયમો નેવે મૂકી દીધા હતા:
૧. નીટ પર્સેન્ટાઈલનો ભંગ:
ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા – ડીસીઆઈના ૨૦૦૭ના રેગ્યુલેશન મુજબ, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નીટમાં ૫૦ પર્સેન્ટાઈલ અને અનામત વર્ગ માટે ૪૦ પર્સેન્ટાઈલ લાવવા ફરજિયાત છે. પરંતુ આ કોલેજોએ આ નિયમનું સરેરામ ઉલ્લંઘન કર્યું હતું.
૨. નાપાસ વિદ્યાર્થીઓને એડમિશન:
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ કોલેજોએ પોતાની બેઠકો ભરવાની લાયમાં એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન આપી દીધા હતા જેમના માર્ક્સ શૂન્ય (૦) હતા અથવા તો માઈનસ (નેગેટિવ) માં હતા. માત્ર ધોરણ ૧૨ ના માર્ક્સના આધારે ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવ્યા હતા.
૩. સત્તા વગર નિયમોમાં ફેરફાર:
રાજસ્થાન સરકારે પોતાની સત્તા બહાર જઈને પહેલા ૧૦ પર્સેન્ટાઈલ અને પછી વધુ ૫ પર્સેન્ટાઈલ ઘટાડી દીધા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પાત્રતાના માપદંડ ઘટાડવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર અને ડીસીઆઈ પાસે છે, રાજ્ય સરકાર પાસે નહીં.
૪. ૨૦૦૭ ના રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન:
કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે આ કોલેજોએ 'ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા રેગ્યુલેશન્સ ૨૦૦૭' નું જાણીજોઈને અને બેશરમીપૂર્વક ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "કોલેજો માત્ર પોતાની બેઠકો ભરવાની લાલચ (ગ્રીડ) માં નિયમોને ઘોળીને પી ગઈ હતી. આ શિક્ષણ વ્યવસ્થાની મજાક સમાન છે.".
૧૦૦ કરોડના દંડનું શું થશે?
આ ૧૦ કોલેજો પાસેથી વસૂલવામાં આવનાર કુલ ૧૦૦ કરોડ રૂપિયા 'રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી' માં જમા થશે. આ રકમ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે અને તેના વ્યાજમાંથી રાજ્યના વૃદ્ધાશ્રમો, નારી નિકેતનો અને બાળકોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓનો ખર્ચ ઉપાડવામાં આવશે.
વિદ્યાર્થીઓનું શું થશે?
જે વિદ્યાર્થીઓએ ૨૦૧૬-૧૭ માં એડમિશન લીધું હતું અને હવે ડિગ્રી પૂરી કરી લીધી છે, તેમની ડિગ્રી રદ કરવામાં આવી નથી. પરંતુ સજાના ભાગરૂપે આ ડોક્ટરોએ રાજ્ય સરકાર કહે ત્યારે બે વર્ષ સુધી વિનામૂલ્યે સેવા આપવી પડશે. જોકે, જે વિદ્યાર્થીઓ ૯ વર્ષ પછી પણ પાસ નથી થયા, તેમને કોલેજમાંથી કાઢી મૂકવાનો આદેશ અપાયો છે

(8:20 PM IST)