<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

દિલ્હી બન્યું 'ગેસ ચેમ્બર': GRAP-4 ના કડક પ્રતિબંધો છતાં હવામાં ઝેર, શું સરકારના તમામ પ્રયાસો માત્ર કાગળ પર જ રહી ગયા?

જૂના વાહનો અને ટ્રકો પર પ્રતિબંધ, 50% સ્ટાફને 'વર્ક ફ્રોમ હોમ', છતાં AQI 400 ને પાર; ક્લાઉડ સીડિંગ નિષ્ફળ જતાં હવે દિલ્હીવાસીઓ કુદરતના ભરોસે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. દિલ્હી-NCR ના ૧૫ થી વધુ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦ ના આંકડાને પાર કરી જતાં પ્રશાસન દ્વારા 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP) ના ચોથા અને સૌથી કડક તબક્કાનો અમલ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, દિલ્હીની હવા 'ઝેરી' બની રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે.
GRAP-4 હેઠળ દિલ્હીમાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારે ટ્રકોને દિલ્હીની સરહદમાં પ્રવેશવા પર મનાઈ છે, માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવતા વાહનોને જ છૂટ અપાઈ છે. આ ઉપરાંત, તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ (Work From Home) કરવા આદેશ અપાયો છે. એટલું જ નહીં, માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ આપવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલા પ્રતિબંધો છતાં સ્થિતિ કેમ સુધરતી નથી? નિષ્ણાતોના મતે, રસ્તા પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ પર લાગતી આગ અને ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓ પર હજુ પણ સંપૂર્ણ નિયંત્રણ નથી. વળી, દિલ્હી સરકારે IIT કાનપુરના સહયોગથી 'ક્લાઉડ સીડિંગ' દ્વારા કૃત્રિમ વરસાદ પાડવાના બે પ્રયાસો કર્યા હતા, પરંતુ કુદરતે સાથ ન આપતા વરસાદ પડ્યો નહીં અને પ્રદૂષણના કણો હવામાં જ જમા રહ્યા.
હાલમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાની પ્રવૃત્તિઓ પણ દિલ્હીની હવા બગાડવામાં મોટો ભાગ ભજવી રહી છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને પવનોની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના વાદળો વિખેરાતા નથી. એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રદૂષણ મુદ્દે આરોપ-પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ દિલ્હીના સામાન્ય નાગરિકો ગળામાં બળતરા, આંખમાં પાણી અને શ્વાસની બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

(9:43 PM IST)