News of Saturday, 20th December 2025
દિલ્હીમાં વાહન લઈને નીકળતા પહેલા સાવધાન! પેટ્રોલ-ડીઝલ કે CNG ગાડી ચલાવવામાં મુંઝવણ છે? જાણી લો GRAP-4 ના નવા નિયમો, નહીંતર પસ્તાશો!
માત્ર BS-6 વાહનોને જ એન્ટ્રી, બાકીની ગાડીઓ થશે જપ્ત; વેલિડ PUC વગર પેટ્રોલ પંપ પરથી ખાલી હાથે પાછા ફરવું પડશે - દિલ્હીમાં ટ્રાફિક અને પર્યાવરણના નિયમો થયા લોખંડી

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં પહોંચતા સરકારે GRAP-4 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) લાગુ કરી દીધો છે. આ કડક અમલીકરણને કારણે વાહન ચાલકોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. જો તમે પણ દિલ્હીમાં રહેતા હોવ અથવા તમારી ગાડી લઈને દિલ્હી જવાનું વિચારી રહ્યા હોવ, તો જાણી લો કે કયા વાહનો રસ્તા પર દોડી શકશે અને કોના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દિલ્હી સરકારના નવા આદેશ મુજબ, અન્ય રાજ્યોમાંથી આવતા માત્ર BS-6 (ભારત સ્ટેજ-6) શ્રેણીના વાહનોને જ દિલ્હીની સરહદમાં પ્રવેશ આપવામાં આવશે. જો તમારી પાસે BS-2, BS-3 કે BS-4 મોડલની ખાનગી કાર, ટેક્સી કે કોમર્શિયલ વાહન હશે, તો તેને આગામી સૂચના સુધી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જે વાહનો આ નિયમનો ભંગ કરશે તેમને સીધા જપ્ત કરી લેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આંતરરાજ્ય બસો જે મોટાભાગે BS-4 ડીઝલ એન્જિન ધરાવે છે, તેમના પર પ્રતિબંધને કારણે મુસાફરોને પણ હાલાકી પડી રહી છે.
વાહન ચાલકો માટે સૌથી મોટો ઝટકો એ છે કે હવે માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વગર પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં. પર્યાવરણ મંત્રીના જણાવ્યા અનુસાર, દિલ્હીના તમામ પેટ્રોલ પંપ પર ખાસ હાઈ-ટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ગાડીના નંબર પ્લેટ પરથી આપમેળે ઓળખી લેશે કે વાહનનું PUC વેલિડ છે કે નહીં. જો સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હશે, તો મશીન આપોઆપ ઈંધણ ભરવાનું બંધ કરી દેશે. અત્યાર સુધીમાં આવા ૮ લાખ વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
જો તમારી ગાડી CNG છે પરંતુ તે BS-6 નથી, તો પણ તેને દિલ્હીની બહારના રાજ્યની હોવાના કિસ્સામાં મુશ્કેલી પડી શકે છે. દિલ્હીમાં નોંધાયેલા વાહનો માટે પણ નિયમો કડક છે, પરંતુ બહારથી આવતી ગાડીઓ પર વિશેષ નજર રખાઈ રહી છે. સરકારનો હેતુ દિલ્હીની હવામાંથી ઝેર ઓછું કરવાનો છે, જેના માટે વાહન વ્યવહાર પર આકરા અંકુશ મૂકવા અનિવાર્ય બન્યા છે. તેથી, દિલ્હી જતી વખતે તમારા વાહનની શ્રેણી અને PUC ની ચોક્કસ તપાસ કરી લેવી હિતાવહ છે
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
