News of Saturday, 20th December 2025
બાંગ્લાદેશમાં માનવતા શરમાઈ: નિર્દોષ હિન્દુ મજૂરની ક્રૂર લિંચિંગ પર તસ્લીમા નસરીનનો આક્રોશ, પોલીસની ભૂમિકા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
ઈશનિંદાના ખોટા આરોપ લગાવી ટોળાએ દીપુ ચંદ્ર દાસને જીવતો સળગાવ્યો; "ગરીબોનો કોઈ દેશ નથી હોતો," - દેશનિકાલ લેખિકાની વેદના અને શશી થરૂરની ન્યાય માટેની માંગ

નવી દિલ્હી::બાંગ્લાદેશના મૈમનસિંઘ શહેરમાં એક હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારત વિરોધી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા વચ્ચે, દીપુ દાસ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે.
તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, દીપુ દાસ એક સાધારણ મજૂર હતો જે ફેક્ટરીમાં કામ કરતો હતો. એક સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં તેના મુસ્લિમ સહકાર્યકરે અંગત અદાવત રાખવા દીપુ પર પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવાનો ખોટો આરોપ લગાવી દીધો. આ એક જ આરોપ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ દીપુને ઘેરી લીધો અને તેને જાહેરમાં ફાંસી આપી સળગાવી દીધો. દીપુના પરિવારમાં તેના અપંગ પિતા, પત્ની અને બાળકો છે, જેમનો સહારો હવે છીનવાઈ ગયો છે.
તસ્લીમા નસરીને પોલીસની ભૂમિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે હુમલો થયો ત્યારે દીપુ પોલીસની અટકાયતમાં હતો. વાયરલ વીડિયોમાં દીપુ પોલીસ યુનિફોર્મ પહેરેલા લોકોની હાજરીમાં પોતાનો પક્ષ સમજાવતો જોવા મળે છે. નસરીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "શું પોલીસે પોતાની કટ્ટરપંથી વિચારધારાને કારણે દીપુને ટોળાના હવાલે કરી દીધો?" તેમણે એમ પણ કહ્યું કે ગરીબોની સુરક્ષા કરનાર કોઈ નથી, અને આ પાગલ હત્યારાઓને ન્યાયના કઠેડામાં કોણ લાવશે?
ભારતના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ આ ઘટનાને 'અસહ્ય દુર્ઘટના' ગણાવી છે. તેમણે બાંગ્લાદેશ સરકાર પાસે હત્યારાઓને કડક સજા કરવાની અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. દરમિયાન, બાંગ્લાદેશના મુખ્ય સલાહકારે માહિતી આપી છે કે આ કેસમાં સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અત્યારે આ લિંચિંગને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
