News of Saturday, 20th December 2025
બિહારમાં રણમેદાન જેવી સ્થિતિ: ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ ટીમ પર કર્યો હિંસક હુમલો, SHO સહિત 7 જવાનો લોહીલુહાણ; વાહનોમાં તોડફોડથી પટણામાં ફફડાટ!
ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગંગામાંથી મળતા જ ભડકી હિંસા; પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી ગ્રામજનોએ લીધો કાયદો હાથમાં - ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે વધારાનો ફોર્સ તૈનાત

પટણા (પૂર) : બિહારની રાજધાની પટણાને અડીને આવેલા પૂર (Barh) સબડિવિઝન હેઠળના સલીમપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. એક વ્યક્તિના અપહરણ અને હત્યાના મામલે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ટીમ પર ઘાતક હુમલો કરી દીધો છે. આ હિંસામાં સલીમપુર સ્ટેશન ઇન્ચાર્જ (SHO) સહિત સાત પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે બખ્તિયારપુરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત એવી છે કે લખીપુરના રહેવાસી કન્હૈયા શર્મા ૧૬ ડિસેમ્બરથી રહસ્યમય રીતે ગુમ હતા. પરિવારનો આક્ષેપ હતો કે જ્યારે કન્હૈયા તેમના ભાઈ સાથે ખેતરમાં ગયા હતા, ત્યારે કેટલાક સશસ્ત્ર શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું. આ અંગે પોલીસે ૧૪ લોકો સામે ફરિયાદ નોંધી ૩ ની ધરપકડ પણ કરી હતી, પરંતુ શુક્રવારે જ્યારે ગંગા નદીમાંથી કન્હૈયાનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે ગ્રામજનોનો સંયમ તૂટ્યો હતો. લોકોએ પોલીસ પર બેદરકારી અને આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવી હંગામો શરૂ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો એટલા ઉશ્કેરાયા હતા કે તેમણે પોલીસના વાહનોને નિશાન બનાવ્યા હતા. તોડફોડની સાથે પોલીસ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનંત કુમાર, મનોજ કુમાર અને સતીશ ચંદ્ર સહિતના જવાનો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ચોકીની આસપાસના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને લોકોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
હુમલાની જાણ થતા જ SDPO-2 આયુષ શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસે હુમલાના કેસમાં ૧૦ શંકાસ્પદોની અટકાયત કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારા અને પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી શાંતિ જોવા મળી રહી છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
