News of Sunday, 21st December 2025
મુંબઈમાં નોરા ફતેહીની કારનો ભયાનક અકસ્માત: નશામાં ધૂત ડ્રાઈવરે એક્ટ્રેસની ગાડીને ઉડાવી, માથામાં ઈજા છતાં નોરાએ સ્ટેજ પર જે કર્યું તે જોઈ દુનિયા આફરીન!
ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં જતી વખતે બની દુર્ઘટના; હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યા બાદ ડોક્ટરોએ આરામની સલાહ આપી, પણ 'દિલબર ગર્લ' પટ્ટી બાંધીને પરફોર્મ કરવા પહોંચી ગઈ

મુંબઈ, તા.૨૦ : બોલિવૂડની લોકપ્રિય ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી શનિવારે રાત્રે મુંબઈમાં એક ભયાનક રોડ અકસ્માતનો શિકાર બની છે. આ કમનસીબ ઘટના ત્યારે બની જ્યારે નોરા વિશ્વપ્રસિદ્ધ ડીજે ડેવિડ ગુએટાના 'સનબર્ન ફેસ્ટિવલ ૨૦૨૫' માં પરફોર્મ કરવા જઈ રહી હતી. એક નશામાં ધૂત વાહનચાલકે તેની કારને જોરદાર ટક્કર મારી હતી, જેમાં નોરાને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ તરત જ તેની ટીમે તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.
નશામાં ધૂત ડ્રાઈવરની બેદરકારી નડી
અહેવાલ મુજબ, નોરા તેની કારમાં સનબર્ન ફેસ્ટિવલના સ્થળ તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી એક તેજ રફ્તાર કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નોરાનું માથું કારની અંદર અથડાયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ કોઈ આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) નથી તેની ખાતરી કરવા માટે તાત્કાલિક સીટી સ્કેન કર્યું હતું. ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેને માથામાં સામાન્ય ઉશ્કેરાટ (Concussion) થયો છે અને તેને સંપૂર્ણ આરામ કરવાની કડક તબીબી સલાહ આપવામાં આવી હતી.
ઈજા પણ નોરાના જોશને રોકી ન શકી
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આવા અકસ્માત બાદ આરામ કરવાનું પસંદ કરે, પરંતુ નોરા ફતેહીએ પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને સર્વોપરી ગણી હતી. ડોક્ટરોની ના હોવા છતાં, નોરાએ હિંમત હાર્યા વગર નિર્ધારિત સમયે સનબર્ન ફેસ્ટિવલમાં હાજરી આપવાનો આગ્રહ રાખ્યો હતો. તે ઈજાગ્રસ્ત હોવા છતાં સ્ટેજ પર પહોંચી અને ડેવિડ ગુએટા સાથે પોતાના આગામી ઈન્ટરનેશનલ સિંગલની ઝલક રજૂ કરી હતી. તેના આ 'વર્ક કમિટમેન્ટ' ને જોઈને ત્યાં હાજર હજારો ચાહકો અને આયોજકો દંગ રહી ગયા હતા.
ડેવિડ ગુએટા અને સિયારા સાથે નવું મિશન
નોરા ફતેહી અત્યારે ગ્લોબલ મ્યુઝિક આઈકોન બનવા તરફ આગળ વધી રહી છે. તે અમેરિકન સિંગર સિયારા અને ડેવિડ ગુએટા સાથે એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ તેણે અમેરિકાના ફેમસ 'ધ ટુનાઇટ શો વિથ જીમી ફેલોન' માં પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. અકસ્માત છતાં નોરાનું સ્ટેજ પર આવવું એ સાબિત કરે છે કે તે શા માટે આજે બોલિવૂડની સૌથી મહેનતુ સેલિબ્રિટીઝમાંની એક ગણાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
