News of Sunday, 21st December 2025
મેઘાલય-સિલહટ બોર્ડર રક્તરંજિત: ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બીએસએફના ગોળીબારમાં ૨ બાંગ્લાદેશી ઠાર:સરહદ પર તંગદિલી!
મેઘાલયને અડીને આવેલી બાંગ્લાદેશની સિલહટ બોર્ડર પર શુક્રવારે બપોરે બની ઘટના મૃતકોની ઓળખ આશિકુર રહેમાન (૧૯) અને મોશાઈદ (૨૨) તરીકે થઈ: મૃતદેહો બીએસએફના કબજામાં ઘૂસણખોરો લાકડા કાપવાના બહાને ભારતીય હદમાં પ્રવેશ્યા હોવાનો દાવો: બીએસએફ અને બીજીબી વચ્ચે ફ્લેગ મીટિંગનો દોર શરૂ

શિલોન્ગ/નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેઘાલય સરહદે ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. જેમાં ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા બે બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. આ ઘટના બાદ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને માહોલ તંગ બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઘટના મેઘાલય રાજ્યને અડીને આવેલી બાંગ્લાદેશના સિલહટ જિલ્લાની બોર્ડર પર બની હતી. બાંગ્લાદેશના કોમ્પાનીગંજ ઉપઝિલાના 'દુમદુમા' અને ભારતના 'રાદને' વિસ્તાર વચ્ચે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે કેટલાક બાંગ્લાદેશી યુવકોએ ભારતીય હદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સ્થાનિક ખાસી ગાર્ડ્સને શંકાસ્પદ હિલચાલ જણાતા તેમણે ચેતવણી આપી હતી, પરંતુ ઘૂસણખોરોએ પીછેહઠ ન કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે યુવકોના મોત થયા છે. મૃતકોની ઓળખ આશિકુર રહેમાન (ઉંમર ૧૯) અને મોશાઈદ (ઉંમર ૨૨) તરીકે થઈ છે, જેઓ સરહદ નજીકના પૂર્વ તુરુંગ ગામના રહેવાસી હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એક યુવકનું મોત બીએસએફના ગોળીબારમાં અને બીજાનું મોત સ્થાનિક ખાસી ગાર્ડ્સના ફાયરિંગમાં થયું હોવાનું મનાય છે. હાલ એક મૃતદેહ ભારતીય સીમામાં બીએસએફના 'ટોકા કેમ્પ' માં રાખવામાં આવ્યો છે. આ ઘટના બાદ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) એ સખત વિરોધ નોંધાવ્યો છે અને મૃતદેહો પરત મેળવવા માટે બીએસએફ સાથે ફ્લેગ મીટિંગ યોજવાની તજવીજ હાથ ધરી છે.
બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરહદ પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરી સાંખી લેવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર દાણચોરી અને ઘૂસણખોરીના બનાવો બનતા રહે છે, જેના કારણે જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
