બંગાળની ભૂમિ પર પીએમ મોદીની ગર્જના: 'મહા જંગલરાજ' માંથી મુક્તિનો સમય આવી ગયો છે, મમતા સરકારના મૂળિયા હલાવી દેતું વડાપ્રધાનનું આક્રમક આહવાન
ચૈતન્ય મહાપ્રભુની પવિત્ર ધરતી નાદિયાથી વડાપ્રધાને TMC પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- "બંગાળના વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે, હવે જનતા પરિવર્તન માટે તૈયાર છે."

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં આગામી રાજકીય સંઘર્ષના મડાણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોલકાતા અને નાદિયામાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધતા મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસનને 'મહા જંગલરાજ' ગણાવીને બંગાળની જનતાને આ સ્થિતિમાંથી મુક્ત થવા માટે હાકલ કરી હતી. પીએમ મોદીના આ આક્રમક તેવરથી બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
વડાપ્રધાને નાદિયાની ધરતીના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "નાદિયા આપણા સૌના માટે અત્યંત વિશેષ સ્થાન છે. આ શ્રી ચૈતન્ય મહાપ્રભુની પવિત્ર ભૂમિ છે, જેણે હંમેશા માનવતા અને સેવાનો સંદેશ આપ્યો છે." તેમણે માતુઆ ભાઈ-બહેનોની સેવાભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, બંગાળના વિકાસ માટે કામ કરવું એ તેમના માટે માત્ર ફરજ નહીં પણ સૌભાગ્યની વાત છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પવિત્ર ભૂમિના આશીર્વાદથી બંગાળમાં અન્યાયનો અંત આવશે.
રેલી દરમિયાન પીએમ મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર અને હિંસાની સંસ્કૃતિ વ્યાપી ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને બંગાળના ગરીબો સુધી પહોંચતા અટકાવવામાં આવી રહી છે. પીએમએ ભારપૂર્વક જણાવ્યું કે બંગાળને તેના ગૌરવશાળી ઈતિહાસ મુજબ ફરીથી સ્થાપિત કરવા માટે TMCના શાસનનો અંત આવવો જરૂરી છે. તેમના મતે, હવે સમય પાકી ગયો છે કે બંગાળ 'મહા જંગલરાજ' માંથી મુક્ત થઈને પ્રગતિના પંથે આગળ વધે.
કોલકાતામાં ઉમટી પડેલી જંગી મેદનીને જોઈને વડાપ્રધાને દાવો કર્યો હતો કે બંગાળની જનતા હવે પરિવર્તનનો મન બનાવી ચૂકી છે. તેમણે ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરતા કહ્યું કે, લોકશાહીમાં જનતાનો અવાજ જ સર્વોપરી છે અને ટૂંક સમયમાં જ બંગાળમાં વિકાસનું નવું પ્રભાત ઉગશે. વડાપ્રધાનના આ પ્રવાસ બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને TMC તથા ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
