News of Sunday, 21st December 2025
ચીનમાં કામના કલાકો દરમિયાન શૌચાલયમાં વધુ સમય ગાળતા કર્મચારીને છુટો કરાયો : કોર્ટે કંપનીને ૩.૭૬ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો
ચીનમાં નોકરી અને કામના સ્થળને લગતો આ વિચિત્ર કિસ્સો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે

બૈજિંગ : ચીનમાં નોકરી અને કામના સ્થળને લગતો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કંપનીએ પોતાના કર્મચારીને માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો કારણ કે તે કામના કલાકો દરમિયાન શૌચાલયમાં વધુ સમય પસાર કરતો હતો.
જોકે હવે કોર્ટે આ મામલે કર્મચારીના પક્ષમાં ચુકાદો આપીને કંપનીને મોટો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચીનની એક કંપનીમાં કામ કરતા લી નામના કર્મચારીને તેની કંપનીએ નોકરીમાંથી બરતરફ કર્યો હતો.
કંપનીનો દાવો હતો કે લી કામના સમય દરમિયાન વારંવાર બ્રેક લેતો હતો અને દિવસના લગભગ ૪ કલાક જેટલો સમય શૌચાલયમાં વિતાવતો હતો. આ બાબતને કંપનીના નિયમોનું ઉલ્લંઘન ગણીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે કર્મચારીએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યું હતું કે તેને પાઈલ્સની બીમારી છે અને સ્વાસ્થ્યના આ કારણોસર તેને વારંવાર શૌચાલય જવું પડતું હતું. કોર્ટે સીસીટીવી ફૂટેજ અને દલીલો સાંભળ્યા બાદ માન્યું હતું કે કંપનીએ કર્મચારીની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તેને છુટો કરવાનો નિર્ણય લીધો હતો જે અયોગ્ય છે.
ચીની કોર્ટે હવે કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ લીને વળતર પેટે ૩.૭૬ લાખ રૂપિયા ચૂકવે. આ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
