હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જોહાનિસબર્ગમાં 'રવિવાર લોહિયાળ' બન્યો: બારની બહાર અંધાધૂંધ ફાયરિંગમાં ત્રણ બાળકો સહિત ૧૧ના મોત, ૧૦ ઘાયલ
જોહાનિસબર્ગની પશ્ચિમે આવેલા બેકર્સડલ વિસ્તારમાં રવિવારે સવારે બનેલી આ ઘટનાની પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, હુમલાખોરોએ કોઈ પણ ચેતવણી આપ્યા વગર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસેના બેકર્સડલ ટાઉનશીપમાં રવિવારે વહેલી સવારે બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં અજાણ્યા હુમલાખોરોએ એક ટાવર્ન (દારૂખાનું) પર અંધાધૂંધ ગોળીબાર કરતા ત્રણ બાળકો સહિત ૧૧ નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જ્યારે અન્ય ૧૦ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે હત્યારાઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર 'માસ શૂટિંગ'ની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જોહાનિસબર્ગની પશ્ચિમે આવેલા બેકર્સડલ વિસ્તારમાં રવિવારે સવારે બનેલી આ ઘટનાની પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ, હુમલાખોરોએ કોઈ પણ ચેતવણી આપ્યા વગર સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા.
પોલીસ અને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઘટના આજે રવિવારે વહેલી સવારે ૧ વાગ્યાના સુમારે (સ્થાનિક સમય) બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક સફેદ રંગની કોમ્બી (વાાન) અને સિલ્વર કલરની સેડાન કારમાં આવેલા હથિયારધારી શખ્સોએ ટાવર્ન (બાર)ની બહાર ઉભેલા લોકો પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો.
હત્યારાઓ એટલા બેફામ હતા કે તેમણે ટાવર્નની અંદર બેઠેલા ગ્રાહકો ઉપરાંત, નાસભાગ કરી રહેલા લોકો અને રસ્તા પર ચાલતા રાહદારીઓ પર પણ 'રેન્ડમ' (આડેધડ) ફાયરિંગ કર્યું હતું.
* મૃતકો: ગૌટેંગ પોલીસના પ્રવક્તા બ્રેન્ડા મુરીડીલીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં કુલ ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
* ઘાયલો: અન્ય ૧૦ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ હત્યારાઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ 'ક્રાઈમ સીન મેનેજમેન્ટ ટીમ' અને 'સીરિયસ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ટીમ'ને કામે લગાડી છે.
* કારણ અકબંધ: પ્રાથમિક તપાસમાં હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ કોઈ ગેંગવોર છે કે પછી આતંકવાદી કૃત્ય, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
* લાયસન્સવાળો બાર: પોલીસે સ્પષ્ટતા કરી છે કે જે ટાવર્ન પર હુમલો થયો તે કાયદેસરનું લાયસન્સ ધરાવતું હતું.
દક્ષિણ આફ્રિકામાં વધતી ગન વાયલન્સ:
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં છેલ્લા કેટલાક સમયથી 'માસ શૂટિંગ'ની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ મહિનામાં બનેલી આ બીજી મોટી ગોળીબારની ઘટના છે, જે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
