હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં એચ વન બી વિઝા અને ટ્રમ્પ સરકારની કડક નીતિ: 'ડિજિટલ તપાસ' નીતિથી ભારતીયો મુશ્કેલીમાં: ગૂગલે કર્મીઓને ચેતવ્યા - 'દેશ છોડીને જશો નહીં'
અમેરિકન વિઝા માટે હવે સોશિયલ મીડિયાની પણ ઝીણવટભરી તપાસ: હજારો એપોઈન્ટમેન્ટ રદ * ૧૫ થી ૨૬ ડિસેમ્બર વચ્ચેની વિઝા મુલાકાતો અચાનક રદ થતા ભારતીય ટેકનોક્રેટ્સ વતનમાં અટવાયા * ગૂગલનો આંતરિક આદેશ: વિઝા રિન્યુ કરવા ભારત ગયેલા કર્મચારીઓ હાલ ત્યાં જ રોકાય, અન્યો મુસાફરી ટાળે

વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઈમિગ્રેશન નીતિઓમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારોને કારણે હજારો ભારતીય વ્યવસાયિકો અને તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકન દૂતાવાસ દ્વારા ‘રાષ્ટ્રીય સુરક્ષા’ના કારણોસર વિઝા પ્રક્રિયામાં અત્યંત કડક તપાસ નીતિ લાગુ કરવામાં આવી છે, જેને કારણે મોટાપાયે વિલંબ અને રદ થવાની ઘટનાઓ બની છે.
સોશિયલ મીડિયા પર 'ડિજિટલ વોચ'
નવી નીતિ અંતર્ગત હવે માત્ર કાગળ પરની માહિતી પૂરતી નથી. અમેરિકન સત્તાધીશો અરજદારોની 'ઓનલાઇન હાજરી' એટલે કે સોશિયલ મીડિયા ગતિવિધિઓની પણ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી રહ્યા છે. આનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની શકે તેવી વ્યક્તિઓને ઓળખવાનો છે. આ વધારાની તપાસ પ્રક્રિયાને કારણે વિઝા મંજૂરીમાં મોટો 'બેકલોગ' (કામનો ભરાવો) સર્જાયો છે.
હજારો એપોઈન્ટમેન્ટ રદ: ગૂગલ ચિંતિત
મીડિયા અહેવાલો મુજબ, ખાસ કરીને ૧૫ થી ૨૬ ડિસેમ્બર વચ્ચે જે ભારતીયોની વિઝા મુલાકાત (એપોઈન્ટમેન્ટ) નક્કી હતી, તેમાંથી હજારો સ્લોટ કોઈ પણ પૂર્વ સૂચના વગર રદ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટેકનોલોજી દિગ્ગજ કંપની ગૂગલે એક આંતરિક મેમો જાહેર કર્યો છે. ગૂગલે તેના જે કર્મચારીઓ વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવ્યા છે, તેમને ચેતવણી આપી છે કે હાલની અચોક્કસતાને જોતા તેઓ અમેરિકા પરત ફરવામાં ઉતાવળ ન કરે અને જેઓ અમેરિકામાં છે તેઓ અત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું ટાળે. કારણ કે, એકવાર બહાર નીકળ્યા પછી પરત ફરવું મુશ્કેલ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે,એચ વન બી વિઝા મેળવનારાઓમાં ૭૦% થી વધુ ભારતીયો હોય છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે નવી અરજીઓ પર ૧ લાખ ડોલર સુધીની ફી લાદી હતી અને હવે આ તપાસ નીતિને કારણે ઈમિગ્રેશન વકીલો આ સ્થિતિને અત્યાર સુધીની સૌથી મોટી 'અવ્યવસ્થા' ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
