<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

આર્મીમાં ભ્રષ્ટાચાર અને સીબીઆઈના દરોડા: દેશની સુરક્ષા સાથે ચેડાં? દિલ્હીમાં લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી નોટોનો પહાડ મળ્યો: નોટો ગણતા ગણતા મશીનો ગરમ થઈ ગયા, પત્ની સામે પણ ગુનો દાખલ

દિલ્હી અને રાજસ્થાનમાં સીબીઆઈના દરોડા: લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્મા અને તેમના પત્ની કર્નલ કાજલ બાલી સામે અપ્રમાણસર મિલકત અને લાંચનો કેસ * દિલ્હીના નિવાસસ્થાનેથી ૨.૨૩ કરોડ રોકડા મળ્યા, નોટો ગણતા મશીનો પણ ગરમ થઈ ગયા * લાંચનું કનેક્શન દુબઈ સુધી: સંરક્ષણ મંત્રાલયના પ્લાનિંગ વિભાગના અધિકારીની ધરપકડ, ૨૩ ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર

નવી દિલ્હી: દેશની સરહદો સાચવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા સંરક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સીબીઆઈ દ્વારા ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

દિલ્હીમાં નોટોનો પહાડ: મશીનો થાક્યા

સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર શર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને જ્યારે સીબીઆઈની ટીમ ત્રાટકી ત્યારે દ્રશ્ય કોઈ ફિલ્મી કહાની જેવું હતું. ઘરના એક બંધ રૂમમાં તિજોરી ખોલતાની સાથે જ ગુલાબી નોટોના બંડલોના થપ્પા જોવા મળ્યા હતા. ઘરમાંથી કુલ ૨.૨૩ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. નવાઈની વાત એ છે કે, આ જંગી રકમ ગણવા માટે મંગાવવામાં આવેલા મશીનો પણ વધુ પડતા વપરાશને કારણે ગરમ થઈ ગયા હતા અને અધિકારીઓ ગણતરી કરતા થાકી ગયા હતા.

 

પતિ-પત્ની બંને આરોપી

આ કૌભાંડમાં માત્ર પતિ જ નહીં, પરંતુ તેમના પત્ની પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્માના પત્ની કર્નલ કાજલ બાલી, જેઓ હાલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં કમાન્ડિંગ ઓફિસર (સીઓ) તરીકે તૈનાત છે, તેમનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું છે. 

 

શ્રીગંગાનગરમાં તપાસ દરમિયાન ૧૦ લાખ રૂપિયા રોકડા અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

 

દુબઈ કનેક્શન અને રાષ્ટ્રીય સુરક્ષા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લાંચનું નેટવર્ક દુબઈ સ્થિત એક કંપનીના ઈશારે કામ કરતું હતું. સીબીઆઈએ લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્મા અને લાંચ આપનાર વિનોદ કુમારની ધરપકડ કરી છે. કોર્ટે બંનેને ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી પોલીસ કસ્ટડી (રિમાન્ડ)માં મોકલ્યા છે. તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ લાંચના બદલામાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી કોઈ સંવેદનશીલ માહિતી લીક કરવામાં આવી હતી કે કેમ?

 

(11:46 AM IST)