ઇલેક્ટોરલ બોન્ડ અને રાજકીય ફંડિંગ: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ પણ રાજકીય પક્ષોને જલસા: ફંડિંગમાં ૩ ગણો વધારો, ભાજપ ફરી સૌથી મોટો લાભાર્થી: ભાજપે કુલ દાનના ૮૨% એટલે કે ૩,૧૧૨ કરોડ રૂપિયા મેળવ્યા
ઇલેક્ટોરલ બોન્ડ રદ થયાના એક વર્ષ બાદ કોર્પોરેટ ટ્રસ્ટો દ્વારા દાનનો પ્રવાહ અટક્યો નહીં, ઉલટાનો વધ્યો * નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડનું દાન મળ્યું * અગાઉના ૧,૨૧૮ કરોડની સરખામણીએ દાનની રકમ ત્રણ ગણી થઈ: ભાજપને સિંહફાળો મળ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય ઠેરવીને રદ કર્યાના એક વર્ષ બાદ પણ રાજકીય પક્ષોની તિજોરીઓ છલકાઈ રહી છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, બોન્ડ રદ થવાથી રાજકીય ભંડોળ પર કોઈ અસર પડી નથી, પરંતુ નવા રસ્તાઓ મારફતે ભંડોળમાં ધરખમ વધારો થયો છે.
૩,૮૧૧ કરોડનું જંગી દાન
વર્ષ ૨૦૨૪-૨૫ ના નાણાકીય વર્ષના અહેવાલો સૂચવે છે કે કોર્પોરેટ સમર્થિત 'ઇલેક્ટોરલ ટ્રસ્ટો' દ્વારા રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપવામાં આવ્યું છે. આ વર્ષે નવ જેટલા ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.
દાનમાં ત્રણ ગણો ઉછાળો
આ આંકડાઓ એટલા માટે ચોંકાવનારા છે કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાના સમયગાળામાં એટલે કે અગાઉના વર્ષમાં આ રકમ ૧,૨૧૮ કરોડ રૂપિયા આસપાસ હતી. આમ, બોન્ડ રદ થયા પછી પારદર્શિતાના નામે આવેલી નવી વ્યવસ્થામાં દાનની રકમમાં સીધો ત્રણ ગણો વધારો નોંધાયો છે.
ભાજપ મોખરે: કોને કેટલા મળ્યા?
આ દાન મેળવનારાઓમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટો લાભાર્થી પક્ષ બન્યો છે.
* ભાજપ: કુલ દાનના આશરે ૮૨% એટલે કે ૩,૧૧૨ કરોડ રૂપિયા મેળવ્યા.
* કોંગ્રેસ: ૨૯૯ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે રહી (કુલ દાનના ૮%).
* અન્ય પક્ષો: અન્ય તમામ પક્ષોને સંયુક્ત રીતે ૪૦૦ કરોડ રૂપિયા મળ્યા.
સૌથી મોટો દાતા: પ્રુડન્ટ ટ્રસ્ટ
'પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ' આ વર્ષે ભાજપના સૌથી મોટા દાતા તરીકે ઉભરી આવ્યું છે, જેણે એકલા હાથે ભાજપને ૨,૧૮૦.૦૭ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ટ્રસ્ટને જિંદાલ સ્ટીલ, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ અને ટોરેન્ટ ફાર્મા જેવી દિગ્ગજ કંપનીઓ તરફથી ફંડ મળ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
